અમદાવાદ – ગુજરાતમાં ગૂમ થઈ ગયેલા બાળકોની ભાળ મેળવવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે એવો આક્ષેપ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના અસંતુષ્ટ નેતા કેશુભાઈ પટેલે મૂક્યો છે.
કેશુભાઈ ગૂમ થયેલા કેટલાક બાળકોના માતા-પિતા ગુરુવારે મળવા ગયા હતા અને તેમની સાથે બેઠક કર્યા બાદ એમણે પત્રકારોને કહ્યું કે, આખા રાજ્યમાં કેટલા બધા બાળકો ગૂમ થયા છે. ૬-૬ મહિના થઈ ગયા હોવા છતાં પોલીસ તેમનો પત્તો લગાવી શકી નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોવાનો આ પુરાવો છે.
કેશુભાઈ બે પરિવારના ઘેર ગયા હતા જેમના બાળકો વિશ્વા પટેલ (૧૧) અને રોનક પંચાલ (૧૨) ગૂમ થયા છે અને બાળકોના માતા-પિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કેશુભાઈની સાથે મહાગુજરાત જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફીયા પણ હતા.
પોલીસ રેકોર્ડ અનુસાર, છેલ્લા ૬ મહિનામાં લગભગ ૭૫૦ બાળકો ગૂમ થયા છે. એમાંના મોટા ભાગના બાળકો સગીર વયના છે. આમાંના ૮૩ જણ અમદાવાદમાંથી ગૂમ થયા છે.
ગયા અઠવાડિયે લાપતા બાળકોના માતાપિતાએ એક રેલી કાઢી, મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ મોરચો કાઢે એ પહેલા જ પોલીસે એમને પકડી લીધા હતા.
કેશુભાઈએ કહ્યું કે, હાલની સરકાર માતા-પિતાની લાગણી પ્રત્યે જડતાભર્યું વલણ ધરાવે છે. રાજ્યમાં ફૂલ ટાઈમ ડીજીપી નથી ત્યારે તમે પોલીસ પાસેથી શું આશા રાખી શકો? હાલના મુખ્ય પ્રધાન માત્ર એવા ઓફિસરોને જ પ્રમોટ કરે છે જેઓ એમની ઈચ્છા મુજબ કામ કરે.
ઉલ્લેખનીય છે કે, હાલના રાજ્ય પોલીસ વડા ચિતરંજન સિંહ ઈન-ચાર્જ ડીજીપી છે.



















