ટોકિયો – હાલ જાપાનની યાત્રા પર ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે જાપાનના નાયબ વડાપ્રધાન કાત્સુયા ઓકાદાએ પોતાના કાર્યાલયમાં આમંત્રિત કર્યા હતા અને વિવિધ મુદ્દા પર ગુજરાત અને જાપાન કઇ રીતે સહભાગીતાનું વિશાળ ફલક વિકસાવે તે અંગે વિચારવિમર્શ કર્યો હતો.
ઓકાદાએ તેમના ગુજરાત પ્રવાસના સંસ્મરણો સાથે જણાવ્યું કે ગુજરાતની મુલાકાત તેમને ફળદાયી બની અને તેઓ નાયબ વડાપ્રધાન બન્યા છે.
મોદીએ તેમને કહ્યું કે ગુજરાતમાં જે સ્થળે ભગવાન બુધ્ધના અવશેષો મળી આવ્યા છે ત્યાં ભવ્ય બુધ્ધ-મંદિર બનાવવાના પ્રોજેક્ટમાં જાપાન સરકાર અને પ્રજા સહભાગી થશે તો સાંસ્કૃતિક સંબંધોનો એક અનોખો સેતુ બનશે.
મોદીએ મંગળવારે જાપાનની વિખ્યાત કોર્પોરેટ કંપનીઓ અને નાણાં સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે શ્રેણીબધ્ધ વન-ટુ-વન બેઠકો યોજી હતી જે અત્યંત ફળદાયી રહી છે.
મોદીના વિકાસ વ્યૂહની દૂરંદેશિતાથી જાપાનના વરિષ્ઠ કંપની સંચાલકો પ્રભાવિત થયા છે અને ગુજરાતના ર૧મી સદીના ભાવિ વિકાસનું વિઝન જાણીને ગુજરાત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક તથા આર્થિક વિકાસના નવા ક્ષેત્રો તથા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં ખૂબ જ ઊંડો રસ દાખવ્યો છે.
જાપાનમાં જુદી જુદી કંપનીઓના ૪૦૦ જેટલા પદાધિકારીઓ સમક્ષ સોમવારે યોજાયેલા JETROના સેમિનાર પછી, મંગળવારે મોદીએ સુમિટોમો કોર્પોરેશન, બેન્ક ઓફ ટોકિયો, મિત્સુબીસી કોર્પોરેશન, હિટાચી કંપની, ઇટોયુ કોર્પોરેશન, મિઝુહો ફાઇનાન્સ, કેઇડાનના પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ કરી હતી.
મોદીએ જાપાનીઝ અધિકારીઓને કહ્યું કે ગુજરાત ભારતના અર્થતંત્રનું ચાલકબળ અને ઔદ્યોગિક ક્ષેત્રે નંબર-વન રાજ્ય બની ગયું છે અને હવે ‘ઈન્ડસ્ટ્રીઅલ સ્ટેટ વીથ ગ્રીન સ્ટેટ’ની નવી ઓળખ ઉભી કરવા આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં રાજકીય સ્થિરતા, સુમેળભર્યા શ્રમિક-સંચાલક સંબંધોને કારણે ઔદ્યોગિક શાંતિ, વીજ પૂરવઠાની સુનિશ્ચિતતા તથા સાતત્યપૂર્ણ નીતિઓનો અમલ, પારદર્શી પ્રશાસનથી નિર્ણયોમાં ગતિશીલતા તથા જમીન અંગેની સરકારની સ્વયંસ્પષ્ટ નીતિઓને કારણે વિવાદોની નહીવત્ સંભાવના છે. રાજ્ય સરકારની આ રજૂઆતથી જાપાનના કંપની સંચાલકો ખૂબ જ પ્રભાવિત થયા છે.
ગુજરાત સરકાર દહેજ ખાતે એશિયાના સૌથી મોટા ડિસેલીનેશન પ્લાન્ટના પ્રોજેક્ટ દ્વારા ઔદ્યોગિક પાણીના વપરાશ માટેની ડિસેલીનેશન વોટરની નવી નીતિ લાવી રહ્યું છે તેની જાણકારી મોદીએ આપી હતી. સોલાર એનર્જીના ક્ષેત્રે નર્મદા કેનાલના પ૦૦૦ કિ.મી. શાખા નેટવર્ક સાથે સાંકળીને કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટમાં જાપાનની કંપનીઓને જોડાવા તેમણે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, જાપાનની નાણાં સંસ્થાઓ કેનાલના આ સોલાર પાવર પ્રોજેક્ટ માટે ધિરાણની પહેલ કરે તો સોલાર એનર્જી ક્ષેત્રમાં પણ નાણાં સંસ્થાઓ યોગદાન આપી શકશે.



















