રાજકોટ – કેટલાક પ્રવાસી ક્રિકેટરોને લઈને જતી એક ખાનગી લક્ઝરી બસને શુક્રવારે સવારે અહીં એક ટ્રકે ટક્કર મારતાં બસમાંના ૧૧ ખેલાડીઓને ઈજા થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આ ખેલાડીઓ ભાવનગર અને જુનાગઢ જિલ્લા ક્રિકેટ ટીમો વતી રમે છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત એક જિલ્લા સ્તરની ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે આ ખેલાડીઓ અહીં રમવા આવ્યા છે. ઉક્ત બે ટીમ તથા અન્ય બે ટીમ, એમ ચાર ટીમ વચ્ચે ખંઢેરી સ્ટેડિયમમાં સ્પર્ધાનો શુક્રવારથી આરંભ થયો છે. તે માટે વહેલી સવારે નેટ પ્રેક્ટિસ કરવા માટે બંને ટીમના ખેલાડીઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગયા હતા અને ત્યાંથી એસોસિએશનની લક્ઝરી બસમાં ખંઢેરી સ્ટેડિયમ તરફ જતા હતા ત્યારે ચોકડી પાસે ધસમસતી આવેલી એક ટ્રકે તેમની બસના વચ્ચેના ભાગને ટક્કર મારી હતી.
પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવરની ફરિયાદને પગલે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.
ઘાયલ ક્રિકેટરોને એમ્બ્યુલન્સ મારફત સિવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



















