વડોદરા – વડોદરાના ભૂતપૂર્વ મહારાજા રણજિતસિંહ ગાયકવાડનું ગુરુવારે સવારે નિધન થયું છે. તે ૭૩ વર્ષના હતા. તે કિડનીને લગતી તેમજ અન્ય બીમારીઓથી પીડાતા હતા. તેમને છેલ્લા કેટલાક દિવસોથી અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અગાઉના બરોડા સ્ટેટના અંતિમ શાસક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના દ્વિતીય પુત્ર રણજીતસિંહ તેમના મોટા ભાઈ મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડનું ૧૯૮૮ની ૧ સપ્ટેંબરે ૫૮ વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયા બાદ બરોડાના મહારાજા તરીકે અનુગામી બન્યા હતા.
રણજીતસિંહના પરિવારમાં તેમના પત્ની મહારાણી શુભાંગિની દેવી તેમજ બે પરિણીત પુત્રી – અલૌલિકા રાજે અને અંજના રાજે, તેમજ પુત્ર યુવરાજ સમરજીત સિંહ છે.
રણજીતસિંહ ગાયકવાડ ભૂતપૂર્વ સંસદસભ્ય પણ હતા. તે ૧૯૮૦ અને ૧૯૮૪, એમ બે વખત લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
સદ્દગત રણજીતસિંહના અગ્નિસંસ્કાર શુક્રવારે રાજવી પરિવારના સ્મશાનભૂમિ, કીર્તિ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા.
તેમના પાર્થિવ દેહને જ્યાં ગુરુવારથી દર્શનાર્થે રાખવામાં આવેલો તે લક્ષ્મીવિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધી અંતિમ યાત્રાના માર્ગ પર હજારો લોકોએ તેમની પર પુષ્પવૃષ્ટિ કરી હતી. ત્યારબાદ બપોરે યુવરાજ સમરજીત સિંહ પિતાના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો હતો. તે સાથે જ રણજીતસિંહનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.
રણજીતસિંહ ગાયકવાડના અવસાન અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર અહમદ પટેલે દિલસોજી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.
ગુજરાત રાજ્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણી કરી રહ્યું છે એ જ વર્ષમાં રણજીતસિંહનું અવસાન થયું છે તેને મોદીએ કમનસીબી ગણાવી છે.
રણજીત સિંહે ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસના વડોદરા શહેર એકમના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી.
તે ચિત્રકાર હતા અને શાસ્ત્રીય ગાયક પણ હતા. તેમણે અમુક ફિલ્મોમાં ગીતો માટે તેમનો કંઠ આપ્યો હતો અને તેમણે ગાયેલા પ્રાચીન ભજનોની કેસેટ પણ બહાર પાડવામાં આવી હતી.



















