અમદાવાદ – અમદાવાદના હત્યા કરાયેલા ભૂતપૂર્વ કોંગ્રેસી સંસદસભ્ય એહસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરીને ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં કરાયેલી તપાસનો અહેવાલ વાંચવાની મેજિસ્ટ્રેટ કોર્ટે છૂટ આપી છે.
૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં કરાયેલા હુમલામાં એહસાન જાફરી સહિત ૬૯ જણના થયેલા મરણના કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સીટ) કરેલી તપાસના અહેવાલનું નિરીક્ષણ કરવાની જાફરીના વકીલને પરવાનગી મળી છે.
ઝાકીયા જાફરીએ તેમની પીટિશનમાં જે આરોપો કરેલા તેમાં સીટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન સીટના અમલદારોએ જે સંબંધિત દસ્તાવેજો હાંસલ કરેલા એ તમામ પોતાને સુપરત કરવાનો સુપ્રીમ કોર્ટે સીટને આદેશ આપ્યો છે.
રમખાણોમાં સંડોવણીના આરોપમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ પુરાવો મળ્યો ન હોવાથી તપાસ બંધ કરી દેવી જોઈએ એવી સીટ દ્વારા માગણી મૂકવામાં આવી હતી. જાફરીએ એવો આરોપ મૂક્યો હતો કે ૨૦૦૨ના રમખાણોનું કથિત ક્રિમિનલ કાવતરું ઘડવામાં આવ્યું હતું અને એમાં મોદી તથા અન્ય ૫૭ જણ સંડોવાયેલા છે.
મેજિસ્ટ્રેટની કોર્ટે ઝાકીયાનાં વકીલને પરવાનગી આપી છે, પણ સમાજસેવિકા તિસ્તા સેતલવાડે નોંધાવેલી એવી જ પીટિશનને નકારી કાઢી છે.
કોર્ટે ઝાકીયાનાં વકીલને સીટનો રિપોર્ટ વાંચવા માટે પાંચ દિવસનો આપ્યો છે.



















