વોશિંગ્ટન – સરહદ પર સામસામી લડાઈમાં મહિલા સૈનિકોને સામેલ કરવા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ અમેરિકાના સંરક્ષણ પ્રધાન લીયોન પેનેટાએ ઉઠાવી લીધો છે. તેમણે કહ્યું છે કે, મહિલા સૈનિકોએ લડાઈના એક દાયકા દરમિયાન તેમની બહાદૂરીને સાબિત કરી બતાવી છે.
પેન્ટેગોનના વડા પેનેટાએ અહીં પત્રકારોને કહ્યું છે કે, અમેરિકાનો આ નિર્ણય યુદ્ધના મોરચાની બદલાયેલી વાસ્તવિક્તાનું પ્રતિબિંબ દર્શાવે છે, કારણ કે મહિલા સૈનિકોએ યુદ્ધમાં લડાઈ લડવાનું શરૂ કરી જ દીધું છે. પ્રત્યેક સૈનિક કોમ્બેટ સૈનિક બનવા સક્ષમ થઈ શકે નહીં, પણ દરેક સૈનિક એવા બનવાની તક મેળવવાને હકદાર છે.
પેનેટાએ યુદ્ધના મોરચા પર મહિલા સૈનિકો પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો અંત લાવવાના દસ્તાવેજ પર પેનેટાએ એમના હસ્તાક્ષર કરી દીધા છે.
પ્રમુખ બરાક ઓબામાએ તેમના વહીવટીતંત્રે લીધેલા આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. આજે પ્રત્યેક અમેરિકન એ વાતનું ગર્વ લઈ શકે છે કે આપણું મિલિટરી આપણી માતાઓ, પત્નીઓ, બહેનો તથા પુત્રીઓના સમાવેશ સાથે વધારે શક્તિશાળી બનશે. હવે આપણાં દેશની સ્ત્રીઓ પણ આપણને જેને માટે પ્રેમ છે તેવા આપણા દેશનું રક્ષણ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકશે.
સરકારનો આ નિર્ણય મુખ્યત્વે ભૂમિ દળ અને મરિન કોર્પ્સને લાગુ પડશે. હવાઈ દળ અને નૌકા દળે મોરચા ઉપર મહિલા સૈનિકોને જોડાવા પરનો પ્રતિબંધ ક્યારનો ઉઠાવી લીધો છે. હવે આ બંને દળમાં મહિલા સૈનિકો ફાઈટર જેટ વિમાનો ઉડાવી શકે છે અને જહાજો પરથી શસ્ત્રો ફાયર પણ કરી શકે છે. નૌકા દળે તો ૨૦૧૦માં મહિલા સૈનિકોને સબમરીન ઉપર ફરજ બજાવવાની પણ પરવાનગી આપી દીધી છે.



















