લંડન – બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહી શકાય તે માટે લોકોને મદદરૂપ થવા માટે ત્રણ બોગસ કંપનીઓ શરૂ કરવાના એક ઈમિગ્રેશન કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય મૂળના બે નાગરિકને અહીંની કોર્ટે કુલ ૧૧ વર્ષની જેલની સજા ફટકારી છે. આ બંને કૌભાંડીએ ૮ લાખ પાઉન્ડની રકમ ભેગી કરી હતી.
આ બે અપરાધી છે, સોલિસીટર શ્રીનાથ અર્ડેલા (૩૯) અને સંતોષ કોલેટી (૩૩). તેઓ પશ્ચિમ લંડનના હ્યુસ્લોમાં રહેતા હતા. તેમણે ત્રણ બોગસ કંપની શરૂ કરી હતી જે તેમના ગ્રાહકોને પે-સ્લીપ અને વેજ પેમેન્ટ્સ આપતી હતી જેથી એવું લાગતું કે આ ગ્રાહકો કાયદેસર નોકરી કરે છે.
ત્યારબાદ આ ગ્રાહકો અત્યંત કુશળ માઈગ્રન્ટ્સ તરીકે બ્રિટનમાં રહેવા માટે તેમની અરજીના ટેકા માટે આ દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા.
સોલિસીટર તરીકે કામ કરતો અર્ડેલા તે અરજીઓ સુપરત કરતો હતો.
આઈલવર્થ ક્રાઉન કોર્ટે અર્ડેલાને સાડા ૬ વર્ષ અને કોલેટીને સાડા ચાર વર્ષની જેલની સજા કરી છે.
આ બંનેની ધરપકડ ૨૦૧૧ના ઓગસ્ટમાં કરવામાં આવી હતી.



















