અબુ જુંદાલ ૩૧ જુલાઈ સુધી મુંબઈ પોલીસની રીમાન્ડ પર

મુંબઈ – ૨૦૦૮ની ૨૬ નવેંબરે મુંબઈમાં કરાયેલા આતંકવાદી હુમલાઓના સૂત્રધારોમાંના એક, લશ્કર-એ-તૈબાના આતંકવાદી અબુ જુંદાલને અહીંની એક અદાલતે ૩૧ જુલાઈ સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી દીધો છે.

જુંદાલને શનિવારે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેને શુક્રવારે દિલ્હીની એક કોર્ટે મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ-વિરોધી દળ (એટીએસ)ને ટ્રાન્ઝિટ રીમાન્ડ પર સોંપ્યો હતો. એટીએસના અમલદારો શનિવારે વહેલી સવારે વિમાન દ્વારા એને લઈને મુંબઈ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બપોરે એને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં જજે એને પોલીસ રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી.

કોર્ટની બહાર સવારથી જ પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

સરકારી વકીલ ઉજ્જવલ નિકમે અબુ જુંદાલને રીમાન્ડ પર લેવાની વિનંતી કરતો પત્ર જજને સુપરત કર્યો હતો. ૨૬/૧૧ હુમલાઓના કાવતરામાં સામેલ થવા તથા હુમલાઓ દરમિયાન અજમલ કસાબને ટેલિફોન પર સૂચનાઓ આપવાનો તેની પર આરોપ મૂકવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસને ૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર કાંડ, મુંબઈ ટેરર હુમલાઓ, ૨૦૧૦ના જર્મન બેકરી બોમ્બવિસ્ફોટ કેસ તથા નાસિક સ્થિત પોલીસ એકેડેમી પર હુમલાના બનાવોના સંબંધમાં જુંદાલને શોધતી હતી. જુંદાલને ગયા મહિને સાઉદી અરેબિયામાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને ૨૧ જૂને એ નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યો કે તરત જ ત્યાં પહેલેથી જ હાજર નવી દિલ્હી પોલીસની સ્પેશિયલ સ્ક્વોડે એને પકડી લીધો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news