મુંબઈ- એક રિક્ષા ડ્રાઈવરની દિકરી પ્રેમા જયકુમારે તમામ મુશ્કેલીઓને પાર કરી, ઓલ ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (સીએ)ની પરીક્ષામાં પ્રથમ આવી દેખાડી દીધું છે કે મહેનત કરનારાઓની ક્યારેય હાર નથી થતી.
મુંબઈનાં મલાડમાં એક રૂમની ચાલીમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી ૨૪ વર્ષની પ્રેમા કહે છે, “નવેમ્બર ૨૦૧૨માં ઈસ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ દ્વારા લેવાયેલી પરીક્ષામાં મને પ્રથમ ક્રમ મળ્યો તે બદલ મારી ખુશીનો કોઈ પાર નથી. આ મારી આજીવન સિદ્ધિ છે. મારે માટે સફળતા એટલે સખત શ્રમ છે”
મૂળ આ કુટુંબ તામિલનાડુનું છે. તેઓ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયાં છે, જ્યાં પ્રેમાના પિતા જયકુમાર પેરુમલ રિક્ષા ચલાવીને આજીવિકા રળે છે. સોમવારે જાહેર થયેલા પરિણામ મુજબ પ્રેમાએ ૮૦૦માંથી ૬૦૭ ગુણ મેળવ્યા છે. સફળતાનું શ્રેય તે પોતાનાં પરિવારને આપે છે. પ્રેમા બી.કોમ થર્ડ યરની પરીક્ષામાં ૯૦ ટકા ગુણ સાથે બીજા ક્રમે આવી હતી.



















