મુંબઈમાં અપહરણ કરાયેલી બાળકી હરિદ્વારમાં મળી, ચોર પણ પકડાયો

મુંબઈ – અહીંના છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પરથી ગયા મહિને ત્રણ વર્ષની એક માસૂમ બાળકીની ચોરી કરનારને હરિદ્વારમાં પકડી લેવામાં આવ્યો છે. રાજુ નામનો આ ચોર સીએસટી સ્ટેશન પરથી બાળકીને તે જ્યારે એના માતા-પિતા સાથે ઊંઘતી હતી ત્યારે ગુપચુપ ઉપાડી ગયો હતો અને તેને હરિદ્વાર લઈ ગયો હતો. ત્યાં એ તેની પાસે ભીખ મગાવતો હતો.

રાજુ ગઈ ૧૦ જૂનની રાત્રે લગભગ ૧.૫૨ વાગ્યે સીએસટી સ્ટેશન પરથી બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો. પરંતુ તેની હરકત સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. પોલીસ એક મહિનાથી તપાસમાં હતી. તેને શંકા હતી કે આરોપી બાળકીને ઉપાડીને પુણે તરફની ટ્રેનમાં રવાના થઈ ગયો છે. પોલીસ તેને મહારાષ્ટ્રના શહેરોમાં શોધતી રહી હતી, પણ એ હરિદ્વાર પહોંચી ગયો હતો.

સીસીટીવી ફુટેજમાં જોઈ શકાયું છે કે પગે લંગડાતો માણસ એક ટ્રેનમાંથી ઉતરે છે અને સીએસટી સ્ટેશન પર આંટા મારે છે, અને પછી બાળકી સાથે ઊંઘતા પરિવાર પાસે જાય છે. ત્યાં બાળકી પાસે બેસે છે અને પછી એને ઉપાડીને જતો રહે છે.

મુંબઈ રેલવે પોલીસ કમિશનર પ્રભાત કુમારે કહ્યું કે રેલવે પોલીસે સીએસટી પરનું તે સીસીટીવી ફૂટેજ તથા તસવીરો જાહેર કર્યા બાદ હરિદ્વાર પોલીસે મુંબઈ પોલીસને જાણ કરી હતી અને તેના જવાનોની ટીમે ત્યાં જઈ રાજુને ઝડપી લીધો હતો અને તેના કબજામાંથી બાળકીને પણ ઉગારી લીધી છે. ફુટેજ અને તસવીરો જોઈને હરિદ્વાર પોલીસ સતર્ક થઈ ગઈ હતી, કારણ કે રાજુ જેવો જ એક શખ્સ બાળકી સાથે હરિદ્વાર રેલવે સ્ટેશનની નજીક ફરતો દેખાયો હતો. પોલીસે તેને પકડીને સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી ત્યારે એણે કબૂલ કર્યું કે તે બાળકીને મુંબઈમાંથી ઉપાડીને લાવ્યો છે. તેનો ઈરાદો બાળકીને ભિખારી બનાવવાનો હતો. છેલ્લા ૧૫ દિવસથી એ હરિદ્વારમાં બાળકીને લઈને ફરતો હતો.

રાજુ મૂળ ભોપાલનો રહેવાસી છે, પણ કેટલાક વખતથી મુંબઈમાં રહેતો હતો.

તેણે પોલીસને કહ્યું કે, બાળકીને સીએસટી સ્ટેશન પરથી ઉપાડીને તેણે નાગપુર જતી ટ્રેન પકડી હતી, પણ નાગપુર સુધી ગયો નહોતો. વચ્ચે મનમાડ સ્ટેશન પર ઉતરીને તે મંગલમ એક્સપ્રેસ પકડીને નવી દિલ્હી પહોંચ્યો હતો. ત્યાં અમુક દિવસો રોકાઈને તાજ એક્સપ્રેસ પકડીને આગરા ગયો હતો. ત્યાં તાજમહલ પાસે બાળકીને લઈને ભીખ માગતો રહ્યો હતો. પાંચ-છ દિવસ આગરા રહ્યા બાદ એ હરિદ્વારમાં કાવડ મેળામાં ગયો હતો. લગભગ ૧૫ દિવસોથી એ હરિદ્વારમાં હરિ કી પૌડીની આસપાસ બાળકી પાસે ભીખ મગાવતો રહ્યો હતો.

શુક્રવારે બપોરે એ બાળકીને લઈને રેલવે સ્ટેશનની નજીકથી પસાર થયો કે તરત પોલીસે એને ઓળખી લઈને પકડી લીધો હતો.

બાળકીના માતા-પિતા રેલવેના સફાઈ કામદારો છે. તેઓ રાત્રે એક ટ્રેનમાં જવાના હતા, પણ તે ચૂકી ગયા હતા એટલે રાત્રે સ્ટેશન પર જ ઊંઘ ખેંચી સવારે બીજી ટ્રેન પકડવાનું નક્કી કર્યું હતું.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હવે આરોપી રાજુ પાસે ત્રણ સગીર વયની બાળાઓના અપહરણ તથા બળાત્કારના કિસ્સાઓમાં પણ પૂછપરછ શરૂ કરવાની છે. તે કિસ્સાઓ ગયા વર્ષે બન્યા હતા અને પોલીસને હજી સુધી કોઈ કડી હાથ લાગી નથી. પોલીસ રાજુની પૂછપરછ કરી રહી છે કે એ બાળકોનું અપહરણ કરતી કોઈ મોટી ટોળકીનો સભ્ય તો નથી ને.

બિન-સરકારી સંગઠનોના દાવા મુજબ, દેશમાં હાલ બાળકોની ચોરી કરતી ૮૦૦ જેટલી ગેંગ સક્રિય છે. ૨૦૦૮ બાદ બે વર્ષમાં દેશભરમાંથી લગભગ એક લાખ ૧૭ હજાર બાળકો લાપતા થયા છે. તેમાંના અડધા ભાગના બાળકોનો હજી સુધી પત્તો લાગ્યો નથી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news