મુંબઈ – બુધવારે મોડી રાતથી શરૂ થઈ ગુરુવારે સવાર સુધી પડેલા ચાલુ મોસમના પહેલા જ જોરદાર વરસાદે મુંબઈમાં જનજીવન ખોરવી નાખ્યું. સવારે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર જામ થઈ ગયો હતો અને પાટા પર પાણી ભરાતા અને સિગ્નલ સિસ્ટમને માઠી અસર થતા ટ્રેનસેવા પણ ખોરવાઈ ગઈ હતી.
તળ મુંબઈ કરતા પરાવિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો હતો. કાંદિવલી અને મલાડ ઉપનગરોમાં આજે સવારે લગભગ ૪૫ મિ.મી. વરસાદ પડ્યો હતો.
બપોર બાદ ઉઘાડ નીકળ્યો હતો અને જનજીવન ધીમે ધીમે થાળી પડવા માંડ્યું હતું.
હવામાન કચેરીએ આવનારા કલાકોમાં મુંબઈ અને કોંકણ કાંઠાવિસ્તારોમાં વધારે વરસાદ પડવાની આગાહી કરી છે.
આજે સવારે ૯ વાગ્યા સુધીમાં હવામાન કચેરીના કોલાબા વિભાગે તળ મુંબઈમાં ૨૧ મી.મી. વરસાદ નોંધ્યો હતો જ્યારે સાંતાક્રુઝ વિભાગે ઉપનગરોમાં ૭૫ મી.મી. વરસાદ નોંધ્યો હતો.
મધ્ય રેલવે પર ટ્રેન સેવાને માઠી અસર પડી છે. અનેક સ્થળે સિગ્નલ સિસ્ટમમાં બગાડો થતા ટ્રેનો અડધો કલાક જેટલી મોડી પડી હતી.
શહેરના એરપોર્ટ ખાતે વિમાન સેવા જોકે રાબેતા મુજબની હતી.



















