મુંબઈમાં ૧૩/૭ બ્લાસ્ટ્સ કેસમાં આરોપીઓ સામે નોંધાઈ ચાર્જશીટ

મુંબઈ – ૨૭ જણનો જેમાં ભોગ લેવાઈ ગયો હતો અને બીજાં ઘણાને ઈજા પહોંચી હતી તે એક વર્ષ પહેલા શહેરમાં ત્રણ સ્થળે થયેલા બોમ્બ ધડાકાના કેસમાં એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડે ચાર આરોપી સામે શુક્રવારે સ્પેશિયલ ‘મકોકા’ કોર્ટમાં ૪૦૦૦ પાનાંની ચાર્જશીટ નોંધાવી છે.

આ ચાર આરોપી છે – નક્વી અહમદ, નદીમ શેખ, કંવર પથરીજા અને હારુન નાઈક. તેમની સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા), ઈન્ડિયન પીનલ કોડ તથા અન્ય કાયદાઓ હેઠળ કેસ કરાયો છે.

નદીમે મેજિસ્ટ્રેટને આપેલા કબૂલાતનામાની કોપી પણ કોર્ટમાં નોંધાવી દેવાઈ છે.

૨૦૧૧ની ૧૩ જુલાઈએ સાંજના સમયે મુંબઈમાં ઝવેરી બજાર, દાદર કબૂતરખાના અને ઓપેરા હાઉસ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ પૂર્વયોજિત બોમ્બ ધડાકા થયા હતા. તેમાં ૨૭ જણ માર્યા ગયા હતા અને ૧૩૦ જેટલા ઘાયલ થયા હતા.

ધડાકાઓનું ષડયંત્ર ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાની જેમની પર શંકા છે તે વકાસ, તબરેઝ અને યાસીન ભટકલ સહિત ઈન્ડિયન મુજાહિદ્દીન સંગઠનના અન્ય પાંચ સભ્યો ફરાર છે.

એટીએસનો દાવો છે કે ભટકલ, વકાસ અને તબરેઝે ભાયખલાના હબીબ બિલ્ડિંગમાં ત્રીજા માળે એક ફ્લેટ ભાડે લીધો હતો અને ઉક્ત ત્રણ સ્થળે ધડાકાઓ કરાયા તે પહેલા તેમણે એ ફ્લેટમાં વિસ્ફોટકો એસેમ્બલ કર્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news