લૂંટારા સાથે લડવા જતા મુંબઈની યુવતીએ પગ ગુમાવ્યો

મુંબઈ – હરિયાણાના અંબાલા જિલ્લામાં તાજેતરમાં બનેલી એક ઘટનામાં, મુંબઈની ૨૩ વર્ષીય એક યુવતીને ચાલુ ટ્રેને બહાર ખેંચી કાઢતા તેને એક પગ ગુમાવવો પડ્યો છે. ભાવિકા મહેતા નામની તે યુવતી તેનાં પરિવારજનો સાથે અમૃતસર ગઈ હતી અને ત્યાંથી પાછી ફરતી હતી ત્યારે એ ગોઝારી ઘટના બની હતી.

તે બનાવ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં બન્યો હતો જેમાં તે પ્રવાસ કરતી હતી. ટ્રેન અંબાલા સ્ટેશન નજીક હતી ત્યારે એક હુમલાખોર તેનું પર્સ ઝૂંટવીને ભાગ્યો હતો. ભાવિકાએ એનો સામનો કર્યો હતો અને તેની પાછળ દોડી હતી ત્યારે ચોરે તેને ચાલુ ટ્રેનની બહાર ખેંચી લીધી હતી.

એમાં ટ્રેનના પૈડા હેઠળ ભાવિકાનો ડાબો પગ આવી ગયો હતો. ભાવિકાનાં પિતા તેને મદદ કરવા જતા એમને પણ ફ્રેક્ચર થયું છે.

ભાવિકાએ કહ્યું કે, અમે ટ્રેનમાં સૂતા હતા. ટ્રેન ત્યારે અંબાલા સ્ટેશનથી લગભગ અડધો કિ.મી. દૂર હશે. એવામાં એક ચોર આવ્યો અને મારું પર્સ ઝૂંટવીને ભાગ્યો હતો. હું ઊભી થઈ હતી અને તેની પાછળ દોડી હતી. એણે મને પ્લેટફૉર્મ પરથી નીચે પાટા પર ખેંચી હતી અને હું પડી ગઈ હતી. એમાં મારો પગ ટ્રેનના પૈડા નીચે આવી ગયો. બનાવમાં મારા પિતા અને ભાઈને પણ ઈજા થઈ છે.

ભાવિકાને તાબડતોબ અંબાલા કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમનો આરોપ છે કે તેને મદદ કરવા માટે સ્ટેશન માસ્તરે રૂ. ૫૦૦૦ની લાંચ માગી હતી. ભાવિકાને બાદમાં મુંબઈ શિફ્ટ કરાઈ હતી અને ત્યારથી તેને મુલુંડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ભાવિકાનું કહેવું છે કે ઘટના બની ત્યારે આજુબાજુ કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો.

ભાવિકાએ હવે રેલવે પાસેથી વળતર માગ્યું છે અને નોકરી પણ માગી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: MUMBAI news