નવી દિલ્હી – પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારી રવિવારે જ્યાં જિયારત કરવા ગયા તે અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં તેમજ તેમની યાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
વડા પ્રધાન મનમોહન સિંહ સાથે લંચ લીધા બાદ ઝરદારી ખાસ વિમાન દ્વારા જયપુર ગયા. ત્યાંથી ચાર હેલિકોપ્ટર દ્વારા તે અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યો અજમેરના ઘૂઘરા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ મોટર માર્ગે દરગાહ માટે રવાના થયા હતા.
દરગાહ શરીફ ખાતે માથું ટેકવીને અને દર્શન કર્યા બાદ ઝરદારી તથા એમનું પ્રતિનિધિમંડળ આજે સાંજે જ પાકિસ્તાન પાછું ફરશે.
ઝરદારીના પત્ની સ્વ. બેનઝીર ભૂટ્ટોએ પણ ભૂતકાળમાં અજમેરની દરગાહની મુલાકાત લીધી હતી. એ વખતે બેનઝીરે ઝરદારીની જેલમાંથી મુક્તિ માટે દુઆ માગી હતી અને ઝરદારી મુક્ત પણ થઈ ગયા હતા.
લગભગ સાત વર્ષના ગાળા બાદ પાકિસ્તાનના પ્રમુખ ભારતની યાત્રા પર આવ્યા છે. આ પહેલા ૨૦૦૭માં તત્કાલીન પ્રમુખ પરવેશ મુશર્રફ અજમેર આવ્યા હતા અને ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ ખાતે જિયારત કરવા ગયા હતા.
જેમના નામથી આ દરગાહનું નામ પડ્યું છે તે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલ્લૈહ સૂફી સંત હતા. તે ૧૧૪૧-૧૨૩૦ દરમિયાન થઈ ગયા. ૧૨મી સદીમાં તેમણે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તેમનો જન્મ ઈરાનમાં થયો હતો. તે માનવ-પ્રેમ અને માનવ-સેવાને જ પોતાના જીવનનો ઉદ્દેશ્ય માનતા હતા. ૫૦ વર્ષની આયુમાં તે ભારત આવ્યા હતા અને બાકીનું જીવન અજમેરમાં જ વિતાવ્યું હતું.
કહેવાય છે કે બાદશાહ અકબરે પણ એક વાર અજમેર દરગાહમાં જઈને દુઆ માંગી હતી. તેમણે એવી દુઆ માગી હતી કે જો એમને ત્યાં પુત્ર-રત્ન અવતરશે તો તે જિયારત પેશ કરવા પગપાળા આવશે. બાદમાં પુત્ર તરીકે સલીમ પ્રાપ્ત થયા બાદ અકબર ચિશ્તી દરગાહ ખાતે ગયા હતા.
તારાગઢ પહાડી વિસ્તારસ્થિત ચિશ્તીની દરગાહ શરીફ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ છે.



















