દહેરાદૂન – દેશના ઘણા ખરા ભાગોમાં દુકાળની પરિસ્થિતિ છે ત્યારે ઉત્તરાખંડ રાજ્યમાં અનરાધાર વરસાદ થયો છે. ઉત્તરકાશીના દયારા ક્ષેત્રમાં વાદળ ફાટવાથી ૩૧ જણ માર્યા ગયા છે તથા અસંખ્ય ઘર નાશ પામ્યા છે.
વાદળ ફાટ્યા બાદ અસી ગંગા નદીમાં પૂર આવતા અનેક ઘર નાશ પામ્યા છે. એક પૂલ પણ તણાઈ ગયો છે. અસી ગંગા અને ભાગીરથી નદીના સંગમ ગંગોડીમાં પરિસ્થિતિ બહુ ગંભીર છે. આસપાસના વિસ્તારોમાં વીજળી પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે.
પડોશના નેપાળમાંથી પાણી છોડવામાં આવતા ઘાઘરા નદીના ઉત્તર પ્રદેશના ભાગમાં લગભગ અડધો ડઝન જિલ્લાઓમાં વિનાશ થયો છે. નદીનું પાણી સેંકડો ગામોમાં ઘૂસી ગયું છે. તેને કારણે લોકોએ મોટા પાયે હિજરત કરી છે.
ભયને પારખીને વહીવટીતંત્રે એલર્ટ ઘોષિત કરી દીધું છે. બહરાઈચ, ગોંડા, બારાબંકી, સીતાપુર, લખીમપુર અને પીલીભીત જિલ્લાઓમાં સેંકડો ગામમાં પૂરનાં પાણી ઘૂસી ગયા છે. આ ગામોમાંથી હજારો લોકો હિજરત કરી ગયા છે.



















