કરાચી – પાકિસ્તાનની ક્રિકેટ ટીમ એશિયા કપ જીતીને બાંગ્લાદેશથી શુક્રવારે પાછી ફરી હતી, પણ અહીંના જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાહકો સાથેની મારામારીનો ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદીને કડવો અનુભવ થયો.
આફ્રિદીએ બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં પાકિસ્તાને બે-રનથી જીત મેળવ્યા બાદ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. તે શુક્રવારે સાંજે કરાચી એરપોર્ટ પર આવી પહોંચ્યો ત્યારે ચાહકોનું મોટું ટોળું ત્યાં જમા થયું હતું. આફ્રિદી જેવો આવી પહોંચ્યો કે તરત ચાહકો તેને ઘેરી વળ્યા હતા. આફ્રિદીને રક્ષણ આપવા દેખીતી રીતે જ પૂરતો સુરક્ષા બંદોબસ્ત નહોતો. એવામાં, એક અતિઉત્સાહ ચાહકે અકસ્માતપણે આફ્રિદીની ત્રણ વર્ષની પુત્રીને ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગઈ. તે જોઈને આફ્રિદીનો પિત્તો ગયો અને તેણે પેલા ચાહકને માર્યો.
આફ્રિદી એરપોર્ટ પરથી બહાર નીકળીને મોટા ટોળામાંથી ઝડપથી નીકળીને તેની કારમાં બેસવા જતો હતો જ્યાં તેની નાની પુત્રી આજવા હાથમાં ફૂલ લઈને તેની રાહ જોતી ઊભી હતી. પેલા ચાહકે અકસ્માતપણે આજવાનાં પગ ઉપર પોતાનો પગ મૂકી દીધો. આજવા ચીસ પાડતી જમીન પર પડી ગઈ એટલે આફ્રિદી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી ન શક્યો અને પેલા ચાહકને માર્યો અને બીજાંઓને ધક્કા મારીને કારથી દૂર હટાવી દીધા.
તે વખતે આફ્રિદીનો ભાઈ મુશ્તાક આફ્રિદી પણ ત્યાં હાજર હતો. તે વચ્ચે પડ્યો અને મારામારી અટકાવી.
બાદમાં, પત્રકારો સાથેની વાતચીતમાં આફ્રિદીએ કહ્યું કે, મારી પુત્રી મને લેવા આવી હતી. કોઈકે એનો પગ કચડી નાખ્યો. જો કે મારે ગુસ્સો કાબૂમાં રાખવો જોઈતો હતો અને મારામારી કરવી જોઈતી નહોતી.



















