નવી દિલ્હી – અહીં શુક્રવારે રાત્રે ફિરોઝ શાહ કોટલા મેદાન પર કેપ્ટન વિરેન્દર સેહવાગની ઝંઝાવાદી હાફ સેન્ચૂરીની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૩૭ રનથી પરાજય આપ્યો. આ જીત સાથે દિલ્હી ૧૨ પોઈન્ટ સાથે ટેબલ પર નંબર વન પર યથાવત્ રહ્યું છે અને અંતિમ-ચાર ટીમના તબક્કામાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવવા તરફ પ્રયાણ જારી રાખ્યું છે.
સેહવાગે મેચ પૂર્વે જ કહેલું કે રાજ્ય સભાના નવનિયુક્ત સભ્ય સચીન તેંડુલકર સામે રમવાનો તે એક નવો જ અનુભવ કરશે. તેણે માત્ર ૩૯ બોલમાં ૭૩ રન ઝૂડી કાઢ્યા હતા. તેને સાથ મળ્યો હતો મહેલા જયવર્દને (૫૫) અને કેવીન પીટરસન (૨૬ બોલમાં ૫૦ રન)નો, જેની મદદથી દિલ્હીની ટીમે ૨૦ ઓવરમાં ૨૦૭ રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો.
૨૦૮ રનના ટાર્ગેટ સામે મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૭૦ રન કરી શકી હતી.
મુંબઈએ દાવના શરૂઆતના જ તબક્કામાં ઐડન બ્લિઝાર્ડ, સચીન તેંડુલકર અને રોહિત શર્માને ગુમાવી દીધા હતા, પણ ત્યારબાદ અંબાતી રાયડુ (૩૯ બોલમાં ૬૨ રન) અને દિનેશ કાર્તિક (૨૮ બોલમાં ૪૦ રન)ની જોડીએ લડત આપી હતી, પણ તે પછીના ક્રમના કોઈ બેટ્સમેને બોલરોનો હિંમતપૂર્વક સામનો કર્યો નહોતો.
દિલ્હીના ઈરફાન પટેલ, શાહબાઝ નદીમ અને ઉમેશ યાદવે બબ્બે બેટ્સમેનને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.
અગાઉ દિલ્હીએ પાંચ ઓવરમાં ૫૦, ૮ ઓવરમાં ૧૦૦ અને ૧૫ ઓવરમાં ૧૫૦ રન સ્કોર કર્યા હતા. સેહવાગ અને જયવર્દનેએ પહેલી વિકેટ માટે ૧૩.૧ ઓવરમાં ૧૩૫ રન ઉમેર્યા હતા.



















