આઈપીએલ-5નો આરંભ

ચેન્નઈ – બોલીવૂડ સિતારાઓના ભપકા અને આંતરરાષ્ટ્રીય સિતારાઓના ઉત્કૃષ્ટ પરફોર્મન્સના સમન્વય સાથે મંગળવારે રાત્રે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી મોસમનો ઝાકઝમાળભર્યો આરંભ થયો છે.

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પ્રસૂન વાજપેયીની કવિતા સંભળાવીને ઉદ્દઘાટનવિધિનો આરંભ કરાવ્યો હતો. તો બોલીવૂડના જાણીતા ગાયક હરિહરન ગીત ગાઈને સરસ પરફોર્મન્સ આપ્યું. ગીતના શબ્દો હતા ‘જનાબે આલી…’

અમિતાભની પંક્તિઓ હતી : અગર જન્મ મિલે દોબારા મુઝે તો, ઈસ નિરાલે ખેલ કા છોટા સા હિસ્સા બનૂં મૈં, ગેંદ કા, બલ્લે કા, પિચ કા, કોઈ હિસ્સા બનૂં મૈં.. આ કાવ્યપઠન દ્વારા તેમણે સમારંભના સ્થળને ક્રિકેટમય બનાવી દીધું હતું.

અમિતાભના કાવ્યપઠન સાથે શામક દાવરે કોરિઓગ્રાફ કરેલો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ સ્ટેજ છવાઈ ગયા હતા સાઉથ આફ્રિકન બેન્ડ ફર્સ્ટ પ્રોજેક્ટ, કમ્પોઝર ડી.જે. રાવિ ડ્રમ્સ અને કોલોનિયલ કઝિન્સ. તેમણે એમના મ્યૂઝિક, સેટિંગ વડે દર્શકોને ખુશ કરી દીધા હતા.

એક્ટર-ડાન્સર પ્રભુ દેવાએ પોતાના શ્વાસ થંભાવી દે એવા ડાન્સ કૌશલ્ય વડે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ચેન્નઈના વાયએમસીએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઉદ્દઘાટન કાર્યક્રમ નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આખું ગ્રાઉન્ડ પેક્ડ હતું.

કરીના કપૂરે તેની રા.વન અને એજન્ટ વિનોદના ગીતોની ધૂન પર નૃત્ય કર્યું.

ઉદ્દઘાટનવિધિમાં દર્શકોને આકર્ષિત કરવામાં અન્ય અભિનેત્રી પ્રિયંકાએ કોઈ કચાશ રાખી નહોતી. તેણે પોતાની ડોન, ડોન 2 અને કમિને ફિલ્મોના હિટ ગીતો પર ડાન્સ કરવા સાથે એવા સ્ટન્ટ દેખાડ્યા કે સૌ ચકિત રહી ગયા.

પ્રિયંકાએ હરભજન સિંહ સાથે થોડાક સ્ટેપ્સ લઈને માહોલને વધારે રંગીન બનાવી દીધો હતો.

પ્રિયંકાએ તામિલ ગીત ઉપર વર્તમાન ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓને નચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે રવિચંદ્રન અશ્વિન સિવાય કોઈને નચાવી શકી નહીં.

કરીના અને પ્રિયંકા ચોપરા, સલમાન ખાન જેવા બોલીવૂડ કલાકારોની હાજરી છતાં અમેરિકી પોપસિંગર કેટી પેરી દર્શકોને પ્રભાવિત કરી શકી હતી. ઉદ્દઘાટનવિધિનું સમાપન તેના ગીતથી કરાયું હતું.

ગીત-સંગીત અને નૃત્યના કાર્યક્રમ બાદ આઈપીએલની તમામ ૯ ટીમોના કેપ્ટનોએ શપથ ગ્રહણ કર્યા હતા.

બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસન અને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લા પણ મંચ પર હાજર હતા.

બાદમાં શુક્લાએ આઈપીએલ-5ના આરંભની ઔપચારિક ઘોષણા કરી હતી.

ટ્વેન્ટી-20 લીગ સ્પર્ધા ૨૭ મે સુધી ચાલશે જે દરમિયાન ૫૪ દિવસોમાં કુલ ૭૬ મેચો રમાશે.  મેચોનો આરંભ બુધવારથી થશે. પહેલી મેચ ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રનર્સ-અપ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Old News Gallery, Sports