કોલકાતા – એલન ડોનાલ્ડ આ શહેરમાં સૌથી પહેલા આવેલો ૨૧ વર્ષ પહેલા. એ વખતે તે સાઉથ આફ્રિકા વતી રમ્યો પણ નહોતો.
ડોનાલ્ડ તેની કારકિર્દીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ઈડન ગાર્ડન્સમાં રમ્યો હતો. તે મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના બહિષ્કારના અંત બાદની પહેલી જ મેચ હતી.
તે ડોનાલ્ડ આજે સાઉથ આફ્રિકા અને પુણે વોરિયર્સ ઈન્ડિયા ટીમનો બોલિંગ કોચ છે. તેથી ગયા શનિવારે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પુણે વચ્ચેની મેચ દરમિયાન તે લાગણીવશ થયો તે સમજી શકાય એવું છે.
એક મુલાકાતમાં ડોનાલ્ડે કહ્યું કે, મને ૧૯૯૧ના નવેંબરના તે દિવસો યાદ આવી ગયા. તે વખતનું કલકત્તા અને આજનું કલકત્તા સાવ જ બદલાઈ ગયું છે. એરપોર્ટ હોટેલથી હું કારમાં ફર્યો અને મેં શહેર જોયું. ઘણું બદલાઈ ગયું છે. સરસ ફેરફારો થયા છે.
૧૯૯૧ની તે વન-ડે મેચ વખતે ડોનાલ્ડ ૨૫ વર્ષનો હતો. તેણે ૨૯ રન આપીને ભારતની પાંચ વિકેટ લીધી હતી. તેને અને સચીન તેંડુલકરને મેન ઓફ ધ મેચ એવોર્ડ સહિયારો આપવામાં આવ્યો હતો.
ડોનાલ્ડે ગયા વર્ષના જૂનમાં જ કોચિંગ ક્ષેત્રમાં ઝુકાવ્યું છે અને સાઉથ આફ્રિકાનો બોલિંગ કોચ બન્યો છે.



















