મુંબઈ – આઈપીએલ-5માં ૧૪ મેચોમાંથી તેમણે ૧૮ પોઈન્ટ હાંસલ કર્યા છે, પણ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ મેદાન પર બતાવેલી ગેરશિસ્તના અનેક બનાવોથી તેમનું મેનેજમેન્ટ ખુશ નહીં જ હોય.
હરભજન સિંહ અને તેના સાથીઓએ આ વખતની આઈપીએલમાં ગેરશિસ્ત બદલ ઘણી વાર દંડાયા છે. તાજો કિસ્સો છે અંબાતી રાયડુનો, જે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથેની મેચ દરમિયાન હરીફ ખેલાડી હર્ષલ પટેલ સાથે બાખડી પડ્યો હતો. તેને લીધે રાયડુને હર્ષલ સામે ગાળાગાળી કરવા બદલ તેની મેચ ફીની ૧૦૦ ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તેવી જ રીતે, રોહિત શર્માએ પણ આગલા અઠવાડિયે તેની મર્યાદા ઓળંગી હતી. મુંબઈનો પરાજય થયા બાદ તેણે સ્ટમ્પ્સને લાત મારીને પાડી નાખ્યા હતા.
એક અન્ય કિસ્સામાં ફાસ્ટ બોલર મુનાફ પટેલ સંડોવાયો હતો. ટીમમાં સૌથી વધારે ગુસ્સે ભરાતો ખેલાડી કદાચ મુનાફ છે. તે અવારનવાર અમ્પાયરો અને હરીફ ખેલાડીઓ સાથે ઝઘડતો રહ્યો છે. ડેક્કન ચાર્જર્સ સામેની એક મેચમાં તે હરીફ કેપ્ટન કુમાર સંગકારા સામેના એક નિર્ણય બદલ અમ્પાયર પર ખૂબ રોષે ભરાયો હતો અને દલીલબાજી કરી હતી.
એ વખતે તેને મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ કરાયો હતો.



















