નવી દિલ્હી – ગુરુવારે આઈપીએલની ૬૭મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી ડેરડેવિલ્સને ૨૧ રનથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખી છે. ૨૧૬ રનના ટાર્ગેટનો પીછો કરવામાં દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૯૪ રન જ કરી શકી હતી.
દિલ્હી વતી રોસ ટેલરે સૌથી વધારે ૫૫ રન કર્યા હતા.
આ જીત સાથે બેંગલોરે ૧૫ મેચોમાં ૧૭ પોઈન્ટ મેળવ્યા છે. હવે તેની છેલ્લી લીગ મેચ ડેક્કન ચાર્જર્સ સામે છે.
બેંગલોરના ક્રિસ ગેઈલને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો, જેણે અણનમ ૧૨૮ રન કર્યા હતા. આઈપીએલમાં આ તેની ત્રીજી સદી છે તો વર્તમાન મોસમમાં પહેલી.
ગેઈલ અને કેપ્ટન વિરાટ કોહલી સામે દિલ્હીની બોલિંગના ચીંથરા ઉડી ગયા. બંનેએ બીજી વિકેટ માટે ૨૦૪ રનની અતૂટ ભાગીદારી કરી. ગેઈલે તેના ૧૨૮ રનમાં ૧૩ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા તો કોહલીએ ૫૩ બોલમાં ૭૩ રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. બેંગલોરની એકમાત્ર વિકેટ પડી હતી તિલકરત્ને દિલ્શાનની.
ગેઈલે આ મેચમાં પોતાનો ૪૧મો રન કરીને આઈપીએલના એક જ સત્રમાં સૌથી વધારે રન કરવાના સચીન તેંડુલકરના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.



















