ગેઈલના બેટિંગ તોફાનમાં ફેંકાઈ ગયા મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ – ક્રિસ ગેઈલની ધમાકેદાર બેટિંગ સામે ફરી એક વાર બોલરો વામણા સાબિત થયા. મુંબઈના બોલરોની જોરદાર ધુલાઈ કરીને ગેઈલે બુધવારે રાત્રે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૯-વિકેટથી જિતાડી. આ મેચમાં તેણે આઈપીએલ-5ની ૫૦૦મી સિક્સર પણ પોતાને નામે લખાવી.

સ્પર્ધાની ૫૪મી મેચમાં મુંબઈએ ૨૦ ઓવરમાં કરેલા ૧૪૧ રન બાદ બેંગલોરે ૧૮ ઓવરમાં માત્ર એક જ વિકેટ ખોઈને ૧૪૨ રન કરીને મેચ જીતી લીધી.

ગેઈલે ૫૯ બોલમાં ૮૨ રન કર્યા અને નોટઆઉટ રહ્યો. તેણે પાંચ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકારીને મુંબઈની બોલિંગના ચીંથરા ઉડાવી દીધા. તેની સાથે કેપ્ટન વિરાટ કોહલી ૨૫ બોલમાં ૩૬ રન કરીને નોટઆઉટ રહ્યો. કોહલીએ વિનિંગ શોટના રૂપમાં સિક્સર ફટકારી હતી. બેંગલોરની એકમાત્ર વિકેટ પડી હતી તિલકરત્ને દિલ્શાન (૧૯)ની જેને પ્રજ્ઞાન ઓઝાએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. દિલ્શાન અને ગેઈલ વચ્ચે પહેલી વિકેટ માટે ૯૪ રનની ભાગીદારી થઈ હતી.

તે પહેલા, મુંબઈએ ૬ વિકેટના ભોગે કરેલા ૧૪૧ રનના સ્કોરમાં વિકેટકીપર દિનેશ કાર્તિકે સૌથી વધારે, ૪૪ રન કર્યા. સચીન તેંડુલકરે ૨૪ અને અંબાતી રાયડુએ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન હરભજન સિંહ અને કિરોન પોલાર્ડ અનુક્રમે ૨૦ અને ૨૧ રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

સચીનની વિકેટ હર્ષલ પટેલે લીધી હતી. તેણે પોતાની જ બોલિંગમાં સચીનનો કેચ પકડ્યો હતો. મુંબઈએ દાવની બીજી જ ઓવરમાં જેમ્સ ફ્રેન્કલીન અને તે પછીની ઓવરમાં રોહિત શર્મા (૦)ની વિકેટ ખોઈ દીધી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: News