ઈડન ગાર્ડન્સમાં કેકેઆર ટીમનું ભવ્ય સ્વાગત અને સન્માન

 

કોલકાતા – નવી આઈપીએલ ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનું મંગળવારે સવારે અહીં ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળની ટીમના તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું, શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા અને તેમનું સમ્માન પણ કર્યું.

આ પ્રસંગે કેકેઆર ટીમનાં માલિકો – બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન અને અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા પણ હાજર રહ્યા હતા.

ગંભીરે બંગાળીમાં જ્યારે કહ્યું કે, ‘આમી કોલકાતાર છેલે’ (હું કોલકાતાનો દિકરો છું) ત્યારે સ્ટેડિયમમાં હાજર હજારો લોકોએ હર્ષનાદોથી તેને વધાવી લીધો હતો.

આ સમ્માન પ્રસંગે ઈડન ગાર્ડન્સમાં એન્ટ્રી મફત રાખવામાં આવી હતી.

ટીમના સન્માન સમારંભમાં મમતા બેનરજી છવાઈ ગયાં હતાં. તેમણે ટીમની વિક્ટરી પરેડનો ચાર્જ શ્રેષ્ઠ રીતે સંભાળી બતાવ્યો. તેમણે ઈડન ગાર્ડન્સ ખાતે ક્રાઉડ તેમજ મીડિયાકર્મીઓને પ્રભાવિત રીતે કન્ટ્રોલમાં રાખ્યા.

વિક્ટરી પરેડનો આરંભ સવારે ૧૧ વાગ્યાથી થયો હતો. દક્ષિણ કોલકાતામાં હમઝાથી ઈડન ગાર્ડન્સ સુધીની પરેડ વખતે ક્રિકેટરોની ઝલક જોવા માટે રસ્તાની બંને બાજુએ હજારો લોકો લાઈનમાં ઊભા હતા.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે જો કે ચાહકોએ શાહરૂખ અને જુહીની ઝલટ જોવા માટે ધસારો કરતા અને બેરીકેડ તોડીને આગળ વધતા તેમની પર પોલીસે લાઠીમાર કર્યો હતો.

સ્ટેડિયમ ખાતે ટીમના ભવ્ય સત્કારનું આયોજન રાજ્ય સરકાર, કોલકાતા મહાનગરપાલિકા અને ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: News