પુણે – રોમાંચક ક્ષણોને અંતે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ગુરુવારે અહીં આઈપીએલની લૉ-સ્કોરવાળી લીગ મેચમાં પુણે વોરિયર્સ ઈન્ડિયાને એક-રનથી પરાજય આપવામાં સફળ થઈ હતી.
પુણેએ મુંબઈના ૯ વિકેટે ૧૨૦ રનના સ્કોરના જવાબમાં ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૧૯ રન કર્યા.
મિથુન મન્હાસ ૪૨ રન કરીને નોટઆઉટ રહ્યો. પુણેની ટીમ મુનાફ પટેલે ફેંકેલી છેલ્લી ઓવરમાં જીત માટે જરૂરી ૧૨ રન કરી ન શકી. મુંબઈના ફાસ્ટ બોલસ લસીથ મલિંગાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. તેણે ૧૯ રન આપીને હરીફ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વેઈન પાર્નેલની વિકેટો લીધી હતી.
મુંબઈએ આ જીત સાથે ૧૬ પોઈન્ટ્સ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે પુણેની ટીમ સતત ચાર પરાજયને લીધે ૮મા ક્રમે ધકેલાઈ ગઈ છે.
ગુરુવારના પરાજય માટે પુણેના બેટ્સમેનો જ જવાબદાર છે જેમણે વધારે પડતું ડીફેન્સિવ રમીને રન કરવાની અસંખ્ય તક ગુમાવી હતી.
જેસી રાઈડરે ૯, માઈકલ ક્લાર્કે ૧૪, ગાંગુલીએ ૧૬ રન કર્યા હતા.
અગાઉ, મુંબઈની ટીમે સચીન તેંડુલકર (૩૪) અને જેમ્સ ફ્રેન્કલીન (૨૫)ની ઓપનિંગ જોડીએ ૫૦ રનની ભાગીદારી સાથે કરેલા સરસ સ્ટાર્ટનો લાભ ઉઠાવીને મોટો સ્કોર કરવાની તક ખોઈ દીધી હતી.
૧૨મી ઓવરમાં તેંડુલકરની વિકેટ પડ્યા બાદ ધબડકો થયો હતો. તે પછી માત્ર ૧૨ રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી.
પુણેના આશિષ નેહરાએ ૧૯ રન આપીને બે વિકેટ લીધી હતી.



















