રાજસ્થાન પર મુંબઈનો દસ વિકેટથી વિજય

જયપુર – રવિવારે અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આઈપીએલ-5નાં અંતિમ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે રાજસ્થાન રોયલ્સનો દસ-વિકેટથી ઘોર પરાજય થયો. રાજસ્થાને મૂકેલા ૧૬૩ રનના લક્ષ્યાંકને મુંબઈએ એકેય વિકેટ ગુમાવ્યા વગર અને બે ઓવર ફેંકાવાની બાકી રાખીને હાંસલ કરી લીધો હતો.

નવાઈની વાત એ છે કે આઈપીએલમાં આ પહેલા દસ વિકેટથી વિજય હાંસલ કરનારી ટીમ રાજસ્થાન રોયલ્સ જ હતી. તેણે ૨૦૧૧ની સ્પર્ધામાં ૨૦ મેના જ દિવસે મુંબઈને દસ-વિકેટથી પરાસ્ત કર્યું હતું. આમ, મુંબઈએ તેનો બદલો લઈ લીધો.

મુંબઈની ઓપનિંગ જોડી – સચીન તેંડુલકટર અને ડ્વેન સ્મિથે અણનમ રહીને તેમની ટીમને જીત અપાવી. આઈપીએલમાં પહેલી વિકેટ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. આગલો રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સના માઈકલ હસી અને મુરલી વિજયનો – ૧૫૯ રનની ભાગીદારીનો હતો.

રવિવારે સચીન ૫૧ બોલના દાવમાં ૬ ચોગ્ગાની મદદથી ૫૮ રન અને સ્મિથ ૫૮ બોલમાં દસ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૭ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

તે પહેલા, ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. તેણે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૨ રન કર્યા હતા જેમાં શેન વોટસને સૌથી વધારે, ૪૫ રન કર્યા હતા. સ્ટુઅર્ટ બિન્નીએ ૩૦, ઓવૈસ શાહે ૨૮ અને અશોક મેનારિયાએ ૨૧ રન કર્યા હતા.

મુંબઈ ૧૬ મેચોમાં ૨૦ પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તે આ મેચ પૂર્વે જ પ્લેઓફમાં ક્વૉલિફાય થઈ ચૂકી હતી અને ત્યાં એનો મુકાબલો ચેન્નઈ સુપરકિંગ્સ સામે થશે. પ્લેઓફની પહેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થવાની છે.

રાજસ્થાન રોયલ્સ ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા નંબર પર રહી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: News