નવી દિલ્હી – રવિવારે અહીં આઈપીએલની એક ઓર, અત્યંત રોમાંચક મેચ રમાઈ ગઈ. રાજસ્થાન રોયલ્સના ઓપનર અજિંક્ય રહાણેએ બહાદૂરીપૂર્વક અણનમ ૮૪ રન કર્યા, પણ દિલ્હી ડેરડેવિલ્સ સામે તેની ટીમ મેચના છેલ્લા બોલે, માત્ર એક-રનથી મેચ હારી ગઈ.
૧૫૩ રનના ટાર્ગેટ સામે રાજસ્થાનને જીત માટે છેલ્લી ઓવરમાં ૧૨ રન કરવાના હતા. ઉમેશ યાદવે ફેંકેલી તે ઓવર રમવા રહાણેની સાથે ઓવૈસ શાહ હતો. શાહે સિંગલ લીધા બાદ રહાણેએ એક સિક્સર સહિત ૯ રન કરી દીધા. છેલ્લા બોલમાં બે રન કરવાના હતા, પણ શાહ રનઆઉટ થઈ ગયો. રહાણે બોલને ફટકારવામાં નિષ્ફળ ગયો અને બંને બેટ્સમેન બાયનો રન મેળવવા માટે દોડી ગયા, પણ વિકેટકીપર નમન ઓઝાએ સ્ટમ્પ્સ પાડવામાં સફળતા મેળવી અને શાહ આઉટ થયો. રાજસ્થાનનો સ્કોર રહી ગયો ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૧.
વર્તમાન આઈપીએલમાં પહેલી સદી ફટકારનાર રહાણે ૬૩ બોલમાં ૮૪ રન કરીને નોટઆઉટ રહ્યો. તેણે ૯ બાઉન્ડરી અને એક સિક્સર ફટકારી હતી. તેણે અને કેપ્ટન રાહુલ દ્રવિડે (૪૦) પહેલી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી કરી હતી.
ત્યારબાદ રહાણે અને બ્રાડ હોજ (૨૨)ની જોડીએ સ્કોરને ૧૪૧ પર પહોંચાડ્યો હતો.
પરાજય માટે રાજસ્થાન પોતે જ જવાબદાર છે. છેલ્લી બે ઓવરમાં તેને જીત માટે ૧૫ રન કરવાના હતા અને ૯ વિકેટ તેના હાથમાં હતી.
તે પહેલા, દિલ્હીના કેપ્ટન વિરેન્દર સેહવાગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનું જોરદાર ફોર્મ રવિવારે પણ ચાલુ રહ્યું હતું અને તેણે સતત ચોથી મેચમાં હાફ સેન્ચૂરી ફટકારી. તેણે માત્ર ૩૯ બોલમાં ૬૩ રન ફટકાર્યા જેમાં બે છગ્ગા અને ૮ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેને સાથ મળ્યો રોસ ટેલર (૨૫) અને યોગેશ નાગર (૨૭)નો.
દિલ્હીએ પોઈન્ટ્સ ટેબલ પર પોતાનું નંબર-વન સ્થાન જાળવી રાખ્યું છે.



















