કોલકાતા – શનિવારે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર સ્થાનિક ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ તેમજ માનીતા ક્રિકેટર સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળી પુણે વોરિયર્સ ઈન્ડિયા ટીમ વચ્ચે આઈપીએલ લીગ મેચ રમાવાની છે ત્યારે હવામાન વિભાગે શનિવારે વરસાદ પડવાની આગાહી કરતા ક્રિકેટપ્રેમીઓમાં થોડીક નિરાશા છવાઈ ગઈ છે.
આ મેચ માટેની ટિકિટો ક્યારની વેચાઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે સાંજના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે અને તેને મેચનો આનંદ ઝૂંટવાઈ જવાની શક્યતા છે.
શહેરમાં ગયા મંગળ અને બુધવારે વરસાદ પડ્યો હતો અને શનિવાર માટે કરાયેલી આગાહીમાં જણાવાયું છે કે પવન કલાકના ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે.
ગઈ ૨૪ એપ્રિલે વરસાદ પડતાં આ જ મેદાન પર નાઈટ રાઈડર્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચેની મેચ એકેય બોલ નખાયા વિના ધોવાઈ ગઈ હતી. તે પહેલા, પાંચ એપ્રિલે ડેરડેવિલ્સ સાથેની મેચ વખતે પણ વરસાદ પડ્યો હતો અને મેચને ટીમ દીઠ ૧૨-૧૨ ઓવરની કરી દેવી પડી હતી.
ગાંગુલી અગાઉ કોલકાતા ટીમનો કેપ્ટન હતો. શનિવારે તે એની ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝીને તેના ઘરઆંગણે હરાવવા આતુર બન્યો છે. ગૌતમ ગંભીરના નેતૃત્વવાળી ટીમનો દેખાવ ઘણો સારો રહ્યો છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે છે.



















