કોલકાતા – રોહિત શર્માએ આઈપીએલમાં ફટકારેલી તેની પહેલી સદીના જોરે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે અહીં ઈડન ગાર્ડન્સ મેદાન પર લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પર ૨૭ રનથી જીત હાંસલ કરી. આ સાથે કોલકાતાની સાત-મેચોની વિજયકૂચનો અંત આવી ગયો છે.
રોહિત ૧૦૯ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. હરભજન સિંહે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ રોહિતે સાઉથ આફ્રિકાના ખમતીધર બેટ્સમેન હર્શેલ ગિબ્સ (૬૬) સાથે બીજી વિકેટ માટે ૧૦૬ બોલમાં ૧૬૭ રનની અતૂટ ભાગીદારી કરતા મુંબઈ તેની ૨૦ ઓવરમાં માત્ર એક વિકેટે ૧૮૨ રનનો સ્કોર કર્યો હતો. સચીન તેંડુલકર બે રન કરીને સ્ટમ્પ આઉટ થયા બાદ રોહિત અને ગિબ્સે કોલકાતાના બોલરોને વધુ કોઈ સફળતા મેળવવા દીધી નહોતી.
તેના જવાબમાં કોલકાતાની ટીમ જેક કાલીસના ૭૬ રનના યોગદાન છતાં ૨૦ ઓવરમાં ચાર વિકેટે માત્ર ૧૫૫ રન કરી શકી હતી. યુસુફ પઠાણ ૪૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો જ્યારે મનોજ તિવારીએ ૨૭ રન કર્યા હતા. ઓપનિંગમાં, કેપ્ટન ગૌતમ ગંભીર (૦) અને મનવિન્દર બિસ્લા માત્ર એક રન કરીને આઉટ થતા કોલકાતાને આરંભિક કારમા ફટકા પડ્યા હતા.
રોહિતે તેના ૬૦ બોલના દાવમાં પાંચ છગ્ગા અને ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે ગિબ્સના ૫૮ બોલમાં બે છગ્ગા અને સાત ચોગ્ગા હતા.
આઈપીએલ-5માં નોંધાયેલી સદીનો આંક ૪ પર પહોંચ્યો છે. રોહિત પહેલા અજિંક્ય રહાણે, કેવીન પીટરસન અને ડેવીડ વોર્નર સદી ફટકારી ચૂક્યો છે.
આ જીત સાથે કોલકાતા પર મુંબઈની જીતનો આંકડો આઠમાંથી સાત મેચોનો થયો છે.
મુંબઈની ટીમ ૧૬ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી છે. કોલકાતા આ પરાજય છતાં ૧૭ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.



















