લંડન ગેમ્સની પૂર્ણાહૂતિ, ઓલિમ્પિક્સ ધ્વજ સોંપાયો રીયોને

લંડન – બે સપ્તાહ ચાલેલી લંડન ઓલિમ્પિક ગેમ્સ 2012નું રવિવારે ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું. હવે પછીનો, 2016નો ઓલિમ્પિક રમતોત્સવ બ્રાઝિલના રીયો ડી જેનેરોમાં યોજાશે.

ઉદ્દઘાટન વિધિની જેમ પૂર્ણાહુતિ કાર્યક્રમ પણ અદ્દભુત, ચમકદમકવાળો રહ્યો હતો. બ્રિટિશ સંગીત તથા સંસ્કૃતિની સુંદર ઝલક દર્શાવીને સંગીતકારો, ગાયકો, અનેક કલાકારોએ ગીત ગાઈને, નૃત્ય કરીને ઓલિમ્પિક સ્ટેડિયમમાં હાજર રહેલા હજારો દર્શકોને મુગ્ધ કરી દીધા.

વિશ્વવિખ્યાત બીટલ્સ તથા ક્વીન્સના કલાકારોએ ગીત ગયા તો સ્પાઈસ ગર્લ્સે દોડતી કારમાંથી ગીતો ગાયાં.

બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને કહ્યું બ્રિટને ઓલિમ્પિક ગેમ્સનું સમયસર અને નિર્ધારિત બજેટમાં પૂરું કરવાના વચનનું પાલન કરી બતાવ્યું છે.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ફોન કરીને કેમરનને ઓલિમ્પિક્સના સફળ આયોજન માટે અભિનંદન આપ્યા હતા.

સમારંભના અંતિમ ભાગમાં બ્રાઝિલની પણ ઝલક દેખાડવામાં આવી હતી. રીયો શહેરની સાંબા સ્કૂલની ડાન્સરોએ જોરદાર નૃત્ય કરીને દર્શકોને આનંદવિભોગ કરી દીધા.

ત્યારબાદ ઓલિમ્પિકનો ધ્વજ રીયોના મેયરને સોંપી દેવામાં આવ્યો. આ સાથે જ ઓલિમ્પિક્સની જવાબદારી બ્રાઝિલના આ શહેરની થઈ ગઈ છે.

પૂર્ણાહુતિ કાર્યક્રમના અંતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ઓલિમ્પિક સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોએ તેનો નઝારો નિહાળ્યો. આતશબાજીને કારણે આકાશ રંગોથી છવાઈ ગયું હતું.

લંડન ઓલિમ્પિક્સનો છેલ્લો દિવસ ભારત માટે નસીબવંતો રહ્યો જેમાં કુસ્તીબાજ સુશીલ કુમારે ૬૬ કિ.ગ્રા. વર્ગની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં રજત ચંદ્રક જીત્યો.

ગેમ્સમાં અમેરિકા ૪૬ ગોલ્ડ મેડલ સાથે કુલ ૧૦૪ ચંદ્રકો જીતીને પહેલા ક્રમે રહ્યું. ચીને ૩૮ ગોલ્ડ સાથે કુલ ૮૭ ચંદ્રકો જીતીને બીજો ક્રમ હાંસલ કર્યો.

ભારતને મળ્યા ૬ ચંદ્રક. બે રજત (કુસ્તી અને શૂટિંગ) અને ચાર કાંસ્ય (એક શૂટિંગ, એક મહિલા બોક્સિંગ, એક મહિલા બેડમિન્ટન અને એક કુસ્તી).

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: olympic news