ભારતના તીરંદાજોએ કર્યા નિરાશ

લંડન – અહીં ઓલિમ્પિક્સમાં ભારતની મેડલ ઝુંબેશ માટેની શરૂઆત નિરાશાજનક રહી છે. લોર્ડ્સ ક્રિકેટ મેદાન પર તીરંદાજીની સ્પર્ધાના રેન્કિંગ રાઉન્ડમાં શુક્રવારે પુરુષ અને મહિલાઓની ટીમ નીચલા હાફમાં રહી. જયંત તાલુકદાર, તરૂણદીપ રાય અને રાહુલ બેનરજીની ટીમ પુરુષોના વર્ગમાં ૧૨ ટીમોમાં સાવ છેલ્લા સ્થાને રહી જ્યારે મહિલાઓની ટીમ ૯મા સ્થાને રહી.

દુનિયાની નંબર-વન મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ ભારત વતી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને મહિલાઓની વ્યક્તિગત હરીફાઈમાં ૬૬૨ પોઈન્ટ મેળવી શકી, પણ તેનો નંબર આઠમો રહ્યો.

દિવસનો આરંભ પુરુષોના રેન્કિંગ રાઉન્ડથી થયો હતો જેમાં ભારતીય ટીમ 1969 પોઈન્ટ મેળવી શકી જ્યારે ગઈ વેળાના ચેમ્પિયન દક્ષિણ કોરિયાએ 2087 પોઈન્ટ સાથે નવો વિશ્વવિક્રમ કર્યો અને નંબર-વન પર રહી.

મહિલાઓના વર્ગમાં, દીપિકા, બોમ્બાલ્યા દેવી અને સ્વુરોની ત્રિપુટી 1938 પોઈન્ટના કુલ સ્કોર સાથે ૯મા નંબર પર રહી. આપણી ટીમ માત્ર ઈટાલી, બ્રિટન અને યુક્રેનને જ પાછળ પાડી શકી. આ વર્ગમાં પણ દક્ષિણ કોરિયાની ટીમ કુલ 1993 પોઈન્ટ સાથે ટોચ પર રહી જ્યારે અમેરિકા 1979 સાથે બીજા અને ચાઈનીઝ તાઈપેઈ 1976 સાથે ત્રીજા નંબર પર રહી.

દીપિકા 662 પોઈન્ટ સાથે વ્યક્તિગત હરીફાઈમાં ૮મા સ્થાને આવી. પહેલા હાફ બાદ તે 327 પોઈન્ટ સાથે ૧૮મા સ્થાને હતી, પણ બીજા હાફમાં તેણે જોરદાર ખેલ બતાવીને 335 પોઈન્ટ મેળવ્યા અને બીજા સ્થાને આવી. અંતે, તેને આઠમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.

કોરિયાની તીરંદાજ બો બેઈ અને લી સુંગ જીન, બંને 671ના સમાન સ્કોર સાથે પહેલા બે સ્થાન પર રહી. ત્રીજા સ્થાને ચાઈનીઝ તાઈપેઈની તીરંદાજ આવી છે.

રેન્કિંગ રાઉન્ડ પૂરો થયા બાદ હવે 12 ટીમો વચ્ચે હેડ-ટુ-હેડ એલિમિનેશન મુકાબલો થશે. શરૂઆતમાં નોકઆઉટ ચરણ બાદ સેમી ફાઈનલની વિજેતા ટીમોને ફાઈનલમાં પ્રવેશ મળશે જ્યારે બાકીની ટીમો વચ્ચે કાંસ્ય ચંદ્રક માટે ટક્કર થશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: olympic news