લંડન – નૌકાયન (રોવિંગ) હરીફાઈમાં ભારતના સ્વર્ણ સિંહે સિંગલ સ્કલ્સ રીપેચેજ રાઉન્ડ જીતીને અંતિમ-૮ ખેલાડીઓના વર્ગમાં સ્થાન મેળવ્યું છે.
પંજાબના ૨૩ વર્ષીય રોવર સ્વર્ણ સિંહે તેના સાઉથ કોરિયન હરીફ કીમ દોંગયોંગના પડકારને નિષ્ફળ બનાવ્યો હતો. શનિવારે હીટ્સમાં ચોથો આવ્યા બાદ સ્વર્ણને રીપેચેજ રાઉન્ડમાં ભાગ લેવાની ફરજ પડી હતી. બે કિલોમીટરનું અંતર એણે ૭ મિનિટ ૦૦.૪૯ સેકંડના સમયમાં પૂરું કર્યું હતું. રેસમાં એણે એક નૌકાના અંતરથી ચાર હરીફોને પાછળ પાડી દીધા હતા.
સ્વર્ણ સિંહે હીટ્સમાં 6:54.04નો સમય નોંધાવ્યો હતો.
પાંચ-રોવરની રેસમાં સ્વર્ણ શરૂઆતથી જ આગળ રહ્યો હતો. બાદમાં ત્રણ જણ સાવ પાછળ રહી ગયા હતા અને એકલા સાઉથ કોરિયાના કીમે સ્વર્ણનો પીછો પકડવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો, પણ તે આગળ નીકળી શક્યો નહોતો. સ્વર્ણ દોઢ બોટના અંતરથી રેસ જીતી ગયો હતો.
ક્વાર્ટર ફાઈનલ મંગળવારે યોજાશે.



















