ગોલ્ડ મેડલની આશા પહેલવાન સુશીલના ખભા પર

લંડન – ઓલિમ્પિક્સની ઉદ્દઘાટનવિધિ વખતે જેણે રાષ્ટ્રીય તિરંગો હાથમાં પકડીને ભારતીય સંઘનું નેતૃત્વ લીધું હતું તે કુસ્તીબાજ સુશીલ કુમાર પર હવે દેશને ગોલ્ડ મેડલ અપાવવાની આશા ટકી છે. વર્તમાન ગેમ્સમાં ભારત એક રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીતી શક્યું છે, પણ સુવર્ણ ચંદ્રક હાથ આવ્યો નથી.

ભારતનો સૌપ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ શૂટિંગ સ્ટાર અભિનવ બિન્દ્રા લંડન ગેમ્સમાં પહેલા જ રાઉન્ડમાં પરાસ્ત થઈ ગયો હતો જ્યારે મહિલા બોક્સર મેરી કોમ, શૂટર ગગન નારંગ અને બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ કાંસ્ય ચંદ્રક જીતી શક્યા છે. એકમાત્ર રજત ચંદ્રક શૂટિંગમાં લશ્કરમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા વિજય કુમારે જીત્યો છે.

હવે, બધાયની મીટ મંડાઈ છે સુશીલ કુમારના કુસ્તી મુકાબલા પર. ચાર વર્ષ પહેલાની બીજિંગ ઓલિમ્પિક્સમાં સુશીલે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો જ્યારે ૨૦૧૦માં એ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તે પુરુષોની ૬૬ કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ કુસ્તી ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા ધારે છે.

દિલ્હીનિવાસી ૨૯ વર્ષીય સુશીલે ગોલ્ડ મેડલ જીતી શકાય એ માટે બધી તૈયારી કરી છે. લોકોને તેની પર ઘણી અપેક્ષા છે તેનાથી એ બરાબર વાકેફ છે.

બસ ડ્રાઈવરના પુત્ર સુશીલ ઉપરાંત યોગેસ્વર દત્ત (૬૦ કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ) પાસેથી પણ ભારતને ગોલ્ડ મેડલ મળવાની આશા છે. આ બંને પહેલવાન હાલ પોતપોતાના મુકાબલા માટે સજ્જ બની ગયા છે. બંનેને વિશ્વ સ્તરે કુસ્તી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો અનુભવ છે અને બંને જણ અત્યાર સુધીમાં ત્રણ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: olympic news