ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ)વાળા ફોન ૧૦૦ ડોલર કરતા પણ ઓછા ભાવે (રૂ. ૫,૫૦૦માં) મળશે એવો મોઝીલાની આગામી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરનાર ટેલિકોમ ઓપરેટર ટેલિફોનીકાના એક્ઝિક્યૂટિવનો દાવો છે.
ફાયરફોક્સ ઓએસ ફોન મેળવનાર પહેલો દેશ બ્રાઝિલ હશે. આ ફોન માર્કેટમાં ૨૦૧૩ના માર્ચ પહેલા આવી જશે. તેનું ઉત્પાદન એલ્કાટેલ અને ઝેડટીઈ કરી રહી છે.
ટેલિફોનિકાનો દાવો છે કે ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કરતા વધારે સારી અને સસ્તી હશે.
ઓએસ માટે ડ્યૂશ ટેલિકોમ, એટિસેલટ, સ્માર્ટ, સ્પ્રિંટ, ટેલિકોમ ઈટાલીયા, ટેલિફોનિકા અને ટેલીનોર (ભારતમાં યુનિનોર) જેવી અગ્રગણ્ય ઓપરેટર કંપનીઓ તરફથી પ્રશંસા કરવામાં આવી છે.
ગયા ફેબ્રુઆરીમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન મોઝીલાએ કહેલું કે તે સ્માર્ટફોન માટે તેની પોતાની એચટીએમએલ5-બેઝ્ડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે.
ગૂગલની એન્ડ્રોઈડ ઓએસમાં પણ એચટીએમએલ5-કમ્પેટિબલ એપ્સ છે, પરંતુ તે અન્ય એપ્સની જેમ મહત્વના ફંક્શન્સ એક્સેસ કરી શકતા નથી.
ફાયરફોક્સ ઓએસના એપ્સ ક્લાઉડ દ્વારા સંચાલિત રહેવાના હોઈ ઓએસ પર ચાલતા ફોનમાં મોંઘાદાટ હાર્ડવેરની જરૂર નહીં પડે. પરિણામે ફોનની કિંમત પણ ઓછી રહેશે. વળી, તેના ફીચર્સ ઉપર પણ કોઈ અસર નહીં થાય.
ફાયરફોક્સ ઓએસ ચાલિત ફોનમાં કેમેરા, બ્લુટૂથ, યુએસબી પોર્ટ અને નીયર ફિલ્ડ કમ્યુનિકેશન જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ રહેશે.



















