સોલ – સાઉથ કોરિયાની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, જે વિશ્વમાં નંબર-વન સ્માર્ટફોન ઉત્પાદક છે, તેનું કહેવું છે કે જુલાઈના અંત સુધીમાં તે એના નવા લોન્ચ કરેલા ગેલેક્સી S3 મોડેલના એક કરોડ યુનિટ્સ વેચવાની ધારણા રાખે છે.
કંપનીના મોબાઈલ કમ્યુનિકેશન્સ વિભાગના વડા જે.કે. શિનનું કહેવું છે કે આ મોડેલના જંગી વેચાણથી સેમસંગના મોબાઈલ બિઝનેસનો નફો વધારવામાં મદદ મળશે. યુરોપ, મધ્ય પૂર્વ અને ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં આગલા બે મોડેલ, ગેલેક્સી S1 અને ગેલેસ્કી S2ના વેચાણની સરખામણીમાં ગેલેસ્કી S3ના વેચાણ અંગે વધારે પોઝિટીવ અવલોકનો મળ્યા છે. આ દેશોમાં ગઈ ૨૯ મેથી ગેલેક્સી S3 લોન્ચ કરવામાં આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીએ તેના સ્માર્ટફોનના જંગી વેચાણને પગલે તમામ વિભાગોમાં ૫.૦૫ ટ્રિલિયન વોન (૪.૪૪ અબજ ડોલર)નો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને બીજા ક્વાર્ટરમાં નફો ઓર વધશે એવી તે આશા રાખે છે.
ગેલેક્સી S સિરીઝની ત્રીજી આવૃત્તિમાં ચહેરાની ઓળખ કરવાની અનોખી ટેક્નોલોજી છે, વળી તેમાં વોઈસ-એક્ટિવેટેડ કન્ટ્રોલ્સ પણ છે, વધારે પાવરફુલ પ્રોસેસર છે તેથી તેના વેચાણમાં ઓર ઉછાળો આવવાની શક્યતા કંપની જુએ છે.
સેમસંગે પહેલા ક્વાર્ટરમાં ૪ કરોડ ૪૫ લાખ સ્માર્ટફોનની નિકાસ કરી હતી. તેની હરીફ અમેરિકાની એપલે ૩ કરોડ ૫૧ લાખ સ્માર્ટફોન વેચ્યા હતા.



















