નવી દિલ્હી – ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલે તેની બ્રાન્ડવાળું નાનકડું કમ્પ્યુટર વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે. નેક્સસ 7 નામનું આ કમ્પ્યુટર માત્ર ૭-ઈંચનું છે અને તે બનાવ્યું છે તાઈવાનની એસુસટેક કમ્પ્યુટર કંપનીએ.
આ ટેબ્લેટનું વેચાણ જુલાઈના મધ્ય ભાગમાં શરૂ કરવામાં આવશે અને તેની તેની કિંમત ત્યારે પણ ૧૯૯ ડોલર જ રહેશે. તેની સરખામણીમાં આઈપેડની કિંમત ૪૯૯ ડોલરથી શરૂ થાય છે. ગ્રાહકો નેક્સસ 7 માટેના ઓર્ડર ગૂગલ મારફત આપી શકશે. શરૂઆતમાં તે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જ ઉપલબ્ધ થશે.
નેક્સસ 7 ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમની નવી આવૃત્તિ પર કામ કરશે જેને જેલી બીન નામ આપવામાં આવ્યું છે. તેનું ડિઝાઈનવર્ક ગૂગલ પ્લે દ્વારા કરાયું છે. ગૂગલ પ્લે ગૂગલ કંપનીનો ઓનલાઈન સ્ટોર છે જે મૂવીઝ, મ્યૂઝિક, ગેમ્સ, બૂક્સ અને એપ્લિકેશન્સ ઉપલબ્ધ કરાવે છે.
ગૂગલનું કહેવું છે કે તેના એન્ડ્રોઈડ મોબાઈલ સોફ્ટવેરનો ઉપયોગ કરતા ૧૦ લાખ ડિવાઈસીસ દરરોજ એક્ટિવેટ કરાય છે.
નવું 4.1 જેલી બીન વર્ઝન પરફોર્મ કરવામાં વધારે ઝડપી છે. ડિવાઈસીસમાં ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ છે. તેમાં વાઈ-ફાઈ, બ્લુટૂથ, એનએફસી સહિતના કનેક્ટિવિટી ઓપ્શન્સનો સમાવેશ થાય છે.
નેક્સસ 7માં એચડી વીડિયો પ્લેબેકની ક્ષમતા ૯ કલાક સુધીની છે અને તેમાં ૩૦૦ કલાક સ્ટેન્ડબાય છે.
આ ટેબ્લેટનું વજન ૩૪૦ ગ્રામ છે.



















