પર્થ – ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે આશ્ચર્યજનક સંકેત આપ્યો કે જો મારે ૨૦૧૫ની વર્લ્ડ કપમાં રમવું હશે તો ટેસ્ટ ક્રિકેટમાંથી કદાચ વહેલો રિટાયર થઈ જઈશ.
અહીં પત્રકારો સાથેની વાતચીતમાં ધોનીએ કહ્યું કે, જો મારે ૨૦૧૫ની વર્લ્ડ કપમાં રમવું હશે તો એકાદ ફોર્મેટમાંથી નિવૃત્ત થવું પડશે.
ધોની અત્યાર સુધીમાં ૬૬ ટેસ્ટ મેચો રમ્યો છે અને તેણે જે ૩૬ ટેસ્ટમાં સુકાન સંભાળ્યું છે તેમાંથી ૧૭ ટેસ્ટમાં એ જીત્યો છે. પત્રકાર પરિષદમાં તેના આ નિર્દેશથી સૌ કોઈ ચકિત થઈ ગયું હતું.
૨૦૧૫ની વર્લ્ડ કપ સ્પર્ધા ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં સંયુક્ત રીતે યોજાવાની છે.
૩૦ વર્ષીય ધોનીને વન-ડે ક્રિકેટમાં ઘણો જ સારો કેપ્ટન અને ખૂબ જ અસરકારક બેટ્સમેન ગણવામાં આવી રહ્યો છે.
બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટમાં, એવું જણાય છે કે વિદેશની ધરતી પર ટીમનું નેતૃત્વ કરવાની કળા તે ખોઈ ચૂક્યો છે. એટલું જ નહીં, ફાસ્ટ બોલિંગ સામે તેની બેટિંગ પણ સાવ નબળી પડી ગઈ છે.
ધોની પત્રકારોને એવું પણ કહી ચૂક્યો છે કે તેણે જો ૨૦૧૫ની વર્લ્ડ કપમાં રમવું હશે તો ૨૦૧૩ સુધીમાં કોઈક પાકો નિર્ણય લેવો પડશે. ૨૦૧૩ના વર્ષના અંતે મારે નક્કી કરવું પડશે કે હું એકાદી ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવા સક્ષમ છું કે નહીં. હું આ મારા પોતાને માટે નહીં, પણ દેશ માટે તેમજ જે વ્યક્તિ મારો અનુગામી બનશે તેને માટે વિચારું છું.
૨૦૧૩ સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર થવાનો ધોનીએ આપ્યો સંકેત
Filed in: Sports



















