હેમ્બાન્ટોટા – ભારતે મૂકેલા ૧૩૯ રનના મામૂલી ટાર્ગેટને શ્રીલંકાએ ૧૯.૫ ઓવરમાં માત્ર એક જ વિકેટના ભોગે જ ચેઝ કરી લઈને મંગળવારે અહીં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતી લીધી છે અને પાંચ મેચોની સિરીઝને ૧-૧ સમાન કરી દીધી છે. ત્રીજી મેચ ૨૮ જુલાઈએ કોલંબોમાં પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે.
ભારતે ૨૧ જુલાઈએ પહેલી મેચ ૨૧ રનથી જીતી લીધી હતી, પણ મંગળવારની મેચમાં તેના ખેલાડીઓ સાવ ઝાંખા પડી ગયા હતા.
શ્રીલંકાના વિજયનો ખરો શ્રેય જાય છે તેના બે મધ્યમ ઝડપી બોલરો થિસારા પરેરા અને એન્જેલો મેથ્યૂસને, જેમણે ત્રણ-ત્રણ વિકેટ ટીમ ઈન્ડિયા માત્ર ૩૩.૩ ઓવરમાં ૧૩૮ રન જ કરી શકી હતી. ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર (૬૫) સિવાય બીજો એકેય બેટ્સમેન ઉલ્લેખનીય યોગદાન આપી શક્યો નથી.
ગંભીર તેની ૩૨મી વન-ડે હાફ સેન્ચૂરી ફટકાર્યા બાદ સૌથી છેલ્લો આઉટ થયો હતો. તેની વિકેટ લસીથ મલિંગાને મળી હતી.
શ્રીલંકાના દાવમાં ઉપુલ થારંગા (૫૯ નોટઆઉટ) અને તિલકરત્ને દિલ્શાન (૫૦)ની ઓપનિંગ જોડીએ ૧૧૯ રનની ભાગીદારી કરીને તેમની ટીમના આસાન વિજયનો પાયો નાખ્યો હતો. દિલ્શાન ૧૭મી ઓવરમાં સ્પિનર અશ્વિનની બોલિંગમાં આઉટ થયા બાદ થારંગા સાથે દિનેશ ચાંદીમલ જોડાયો હતો અને ૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ, થિસારા પરેરાએ ભારતના ઉપલા ક્રમમાં મોટા ગાબડા પાડ્યા હતા. તેણે વિરેન્દર સેહવાગ (૧૫), વિરાટ કોહલી (૧) અને સુરેશ રૈના (૧)ને પોતાના શિકાર બનાવ્યા હતા. તો મેથ્યૂસે રોહિત શર્મા (૦), કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૧૧) અને પ્રજ્ઞાન ઓઝા (પાંચ)ને આઉટ કર્યો હતો.
પરેરાએ એક ઓર વિકેટમાં પણ પોતાની ભૂમિકા ભજવી હતી. લસીથ મલિંગાની બોલિંગમાં તેણે ઈરફાન પઠાણ (૬)નો કેચ પકડ્યો હતો.
આર. અશ્વિને ૧૫ બોલમાં ૨૧ રન કર્યા હતા, પણ નવોદિત ખેલાડી ઈસુરુ ઉદાનાએ કરેલા થ્રોને લીધે એ રનઆઉટ થયો હતો.
ભારતે પહેલી મેચમાં તેના વાઈસ-કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી શ્રીલંકાને ૨૧ રનથી પરાજય આપ્યો હતો.



















