વિશ્વના સૌથી શ્રીમંત એથ્લીટ્સની યાદીમાં ધોની, સચીનને સ્થાન

નવી દિલ્હી – ભારતના ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લા દસ મહિનામાં ક્રિકેટના મેદાનમાં ભલે કોઈ ખાસ સફળતા હાંસલ કરી નથી, પરંતુ વિશ્વમાં સૌથી વધારે કમાણી કરતા રમતવીરોમાં તેની ગણના ચોક્કસ કરવામાં આવી છે.

ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલી એક યાદીમાં વિશ્વના ટોચના ૧૦૦ એથ્લીટ્સના નામ દર્શાવવામાં આવ્યા છે જેઓ સૌથી વધારે કમાણી કરે છે.

આ યાદીમાં ધોનીનો નંબર ૩૧મો છે જ્યારે માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરનો નંબર ૭૯મો છે.

આ યાદીમાં પહેલા નંબર પર છે બોક્સર ફ્લોઈડ મેવેધર જુનિયર. તેની આવકનો આંક દર્શાવાયો છે ૮.૫ કરોડ ડોલર. તે ગયા વર્ષે માત્ર બે જ ફાઈટ લડ્યો હતો. લાસ વિગાસમાં તે હાલ ત્રણ-મહિનાની જેલની સજા ભોગવી રહ્યો છે. તેની પર ઘરેલુ હિંસાનો આરોપ છે.

અન્ય બોક્સર પેક્યો ૬.૨ કરોડ ડોલરની કમાણી અને એન્ડોર્સમેન્ટની આવક સાથે બીજા નંબર પર છે.

૨૦૦૧થી ફોર્બ્સની યાદીમાં અમેરિકાનો ગોલ્ફર ટાઈગર વૂડ્સ પહેલા નંબર પર રહેતો હતો, પણ આ વખતે તે ૫.૯૪ કરોડ ડોલરની કમાણી સાથે ત્રીજા નંબરે ધકેલાઈ ગયો છે. આગલા વર્ષની સરખામણીમાં તેની કમાણીમાં ૧.૬ કરોડ ડોલરનો ઘટાડો થયો છે.

છેલ્લા બાર મહિનામાં ધોનીએ કરેલી કમાણીનો આંક છે ૨.૬૫ કરોડ ડોલર. આમાં, ૩૫ લાખ ડોલર તેને વેતન કે જીતમાં મળેલી રકમ તરીકે છે જ્યારે ૨.૩ કરોડ ડોલર એન્ડોર્સમેન્ટમાંથી થયેલી કમાણી છે. ધોનીએ ૨૦૧૦માં યુનાઈટેડ બ્રુવરીઝ સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે જે કંપની તેને દર વર્ષે ૨૦ લાખ ડોલર ચૂકવે છે. ધોની આ ઉપરાંત રીબોક, પેપ્સીકો અને સોની સહિત બીજી ૨૦ બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.

સચીનની ગયા વર્ષની કુલ કમાણી હતી ૧.૮૬ કરોડ ડોલર. તેમાં ૨૧ લાખ ડોલર વેતન તથા ઈનામી રકમમાંથી હતી જ્યારે ૧.૬૫ કરોડ ડોલર એન્ડોર્સમેન્ટની કમાણીના છે.

સચીન અડીડાસ, કોકા-કોલા, કેસ્ટ્રોલ અને તોશીબા જેવી કંપનીઓની બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. તેણે જો કે આલ્કોહોલ પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનો ચોખ્ખો ઈનકાર કરી દીધો છે.

ટેનિસ સ્ટાર રોજર ફેડરર પાંચમા તો મહિલા ટેનિસ ચેમ્પિયન મારીયા શારાપોવા ૨૬મા નંબર પર છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports