લંડન – ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસે તેની પત્નીના કહેવાથી વન-ડે ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલોને ખુદ સ્ટ્રોસે રદિયો આપ્યો છે.
‘મને કે મારી પત્નીને ઓળખતો ન હોય એવા માણસે આ ટિપ્પણી કરી છે તે બહુ નિરાશાજનક છે. કોઈ પણ વ્યક્તિ ટીકામાંથી મુક્ત રહી શકતી નથી, પણ મારા વિશેની વાતો ખોટી છે. મેં પત્નીના કહેવાથી વન-ડે ટીમનું સુકાનીપદ છોડ્યું હોવાની વાતો સાથે હું સંમત થતો નથી,’ એમ એક દૈનિકે સ્ટ્રોસને કહેતા ટાંક્યો છે.
સ્ટ્રોસે આ નિવેદન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બોબ વિલિસના એ દાવાને પગલે આવ્યું છે જેમાં વિલિસે એમ કહ્યું કે ઘરમાં કરાયેલા દબાણને લીધે સ્ટ્રોસે વન-ડે ટીમનું સુકાન એલિસ્ટર કૂકને સોંપી દીધું હતું.
સ્ટ્રોસના સુકાનીપદ હેઠળ ઈંગ્લેન્ડે ટેસ્ટ રેન્કિંગ્સમાં પહેલું સ્થાન મેળવ્યું છે. બેટ્સમેન તરીકે તે છેલ્લા ઘણા વખતથી નિષ્ફળ રહ્યો છે. ૪૮ દાવમાં તે માત્ર એક જ સદી ફટકારી શક્યો છે.



















