ડોનેસ્ક (યુક્રેન) – ઝાબી અલોન્સોએ પોતાની ૧૦૦મી ઈન્ટરનેશનલ મેચમાં બે ગોલ કરતા સ્પેને અહીં યુરો 2012ની ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સ પર ૨-૦થી જીત હાંસલ કરી છે અને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ત્યાં એનો મુકાબલો થશે પોર્ટુગલ સામે.
અલોન્સોનો પહેલો ગોલ હેડર હતો તો બીજો સ્પોટ-કીકથી કરેલો હતો.
રીયલ મેડ્રીડ વતી રમતા અલોન્સોએ માથું મારીને બોલને ગોલપોસ્ટમાં ધકેલી દીધો હતો અને હરીફ ગોલી તેને અટકાવી શક્યો નહોતો. ત્યારબાદ મેચના અંત ભાગમાં અલોન્સોએ પેનલ્ટીમાંથી કીક મારતી વખતે પણ કોઈ ભૂલ કરી નહોતી અને ગોલ કર્યો હતો.
સેમી ફાઈનલમાં અલોન્સોનો મુકાબલો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો સામે થશે.
ચોથી અને છેલ્લી ક્વૉર્ટર ફાઈનલ મેચ સોમવારે ઈંગ્લેન્ડ અને ઈટાલી વચ્ચે રમાવાની છે.
પહેલી ક્વૉર્ટર ફાઈનલમાં કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ૭૯મી મિનિટે કરેલા ગોલની મદદથી પોર્ટુગલે ચેક રીપબ્લિકને ૧-૦ ગોલથી જ્યારે બીજી ક્વૉર્ટર ફાઈનલ મેચમાં ગ્રીસને ૪-૨થી હરાવીને જર્મનીએ હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.



















