ભારતે સિરીઝ જીતી ૪-૧થી, ODI રેન્કિંગ્સમાં આવી ગયું બીજા સ્થાને

પલ્લીકેલે – ઓલરાઉન્ડર ઈરફાન પઠાણની પાંચ વિકેટની મદદથી ભારતે રોમાંચક રહેલી પાંચમી અને છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને ૨૦ રનથી હરાવીને પાંચ મેચોની સિરીઝ ૪-૧થી પોતાના નામે કરી.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ગૌતમ ગંભીર (૮૮), મનોજ તિવારી (૬૫) અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૩૮ બોલમાં કરેલા ૫૮ રનની મદદથી ટીમની જીતનો પાયો નાખ્યો હતો પરંતુ ખરો ઓલરાઉન્ડ દેખાવ તો પઠાણે કર્યો.

પઠાણ ભારતના સાત વિકેટે ૨૯૪ રનના સ્કોરમાં ૨૯ રન કરીને નોટઆઉટ રહ્યો અને પછી ૬૧ રન આપીને પાંચ વિકેટ ખેરવી. તેને લીધે શ્રીલંકાની ટીમ ૪૫.૪ ઓવરમાં ૨૭૪ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.

પોતાના બે સ્ટાર ખેલાડી – મહેલા જયવર્દને અને કુમાર સંગકારા વિના રમેલી શ્રીલંકાની ટીમે તેની અડધી ટીમ ૧૦૨ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ લાહિરુ થિરિમન્ને (૭૭) અને જીવન મેન્ડિસ (૭૨)ની જોડીએ ભારતના બોલરોને હંફાવ્યા હતા. પરંતુ પઠાણે તેના બીજા સ્પેલમાં સપાટો બોલાવી ત્રણ વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે ભારત આઈસીસી વન-ડે ઈન્ટરનેશનલ રેન્કિંગ્સમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા નંબર પર ઓસ્ટ્રેલિયા છે.

શ્રીલંકાના પ્રવાસમાં ભારત હવે અંતિમ મેચના રૂપમાં ગૃહ ટીમ સામે સાત ઓગસ્ટે એકમાત્ર ટ્વેન્ટી-20 મેચ રમશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports