ટ્વેન્ટી-20માં પણ ભારતે મેળવી પઠાણી જીત

પલ્લીકેલે – વિરાટ કોહલી (68)ની એક વધુ ધુઆંધાર ઈનિંગ્ઝ અને ત્યારબાદ ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે આપેલા ત્રણ ઝાટકાને લીધે શ્રીલંકાની ટીમ આજે અહીં ભારત સામે એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ૩૯ રનથી હારી ગઈ છે અને વન-ડે સિરીઝમાં ભારતના હાથે થયેલી ૪-૧ની હારનો બદલો લેવાની ઈચ્છા ધૂળમાં મળી ગઈ છે.

આ મેચ સાથે જ મહેન્દ્ર સિંહ ધોની અને તેની ટીમે શ્રીલંકાના પ્રવાસનું સમાપન કર્યું છે.

શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં બે સેન્ચૂરી ઠોકરનાર કોહલીએ પોતાની ટી-20 કરિઅરમાં પહેલી જ હાફ સેન્ચૂરી કરી. તેણે ૪૮ બોલમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૮ રન કર્યા. જ્યારે સુરેશ રૈનાએ ૨૩ બોલમાં ત્રણ ચોગ્ગા, એક છગ્ગા સાથે અણનમ ૩૪ રનનું યોગદાન આપ્યું. કેપ્ટન ધોની ૧૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દનેએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ભારતે તેની ૨૦ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૫૫ રન કર્યા. તેના જવાબમાં ગૃહ ટીમ ૧૮ ઓવરમાં ૧૧૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એન્જેલો મેથ્યૂસે સૌથી વધારે, ૩૧ રન કર્યા.

ઈરફાન પઠાણે ૨૭ રન આપીને ત્રણ વિકેટ લીધો તો અન્ય ફાસ્ટ બોલર અશોક ડિન્ડાએ ૧૯ રન આપીને ચાર વિકેટ ઝડપી.

મેન ઓફ ધ મેચ એવોર્ડ પઠાણને આપવામાં આવ્યો, કારણ કે એણે શ્રીલંકાના ટોચના ત્રણ બેટ્સમેન – જયવર્દને (૨૬), તિલકરત્ને દિલ્શાન (૦) અને ઉપુલ થારંગા (પાંચ)ને આઉટ કરીને હરીફ છાવણીમાં સોપો પાડી દીધો હતો. સ્કોર બોર્ડ પર માંડ ૩૫ રનમાં મળેલા એ ત્રણ આંચકામાંથી શ્રીલંકાની ટીમ ક્યારેય બહાર આવી શકી નહોતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports