હેમ્બેન્ટોટા – જેક કાલીસે ૧૫ રનમાં ચાર વિકેટ લેતા અને રિચર્ડ લેવીએ અણનમ ૫૦ રન ફટકારતા સાઉથ આફ્રિકાએ (સી-ગ્રુપ) ગુરુવારે અહીં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની મેચમાં ઝિમ્બાબ્વેને દસ વિકેટથી કારમો પરાજય આપ્યો. ઝિમ્બાબ્વેએ ૮ વિકેટે ૯૩ રન કર્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ એકેય વિકેટ ગુમાવ્યા વગર ૭.૨ ઓવરમાં ૯૪ રન કરીને મેચ જીતી લીધી.
ઝિમ્બાબ્વે તેની પહેલી મેચમાં શ્રીલંકા સામે હાર્યું હતું. આમ સતત બે પરાજયને લીધે એ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું છે.
રિચર્ડ લેવીને હાશીમ અમલા (૩૨ નોટઆઉટ)નો સાથ મળ્યો હતો. બંનેએ ૫૦ રનનો સ્કોર ૬ઠ્ઠી ઓવરમાં જ નોંધાવી દીધો હતો.
જેક કાલીસને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. તેણે મેચ બાદ કહ્યું કે આસાન પીચે મારું કામ વધારે આસાન કરી દીધું હતું.
સાઉથ આફ્રિકાના કેપ્ટન એબી ડી વિલિયર્સે કહ્યું કે સ્પર્ધામાં આવું સ્ટાર્ટ મળ્યું એની મને બહુ ખુશી થઈ છે.
ઝિમ્બાબ્વેના કેપ્ટન બ્રેન્ડન ટેલરે સાઉથ આફ્રિકાની રમતના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
ઝિમ્બાબ્વેના દાવમાં ઈરવીન ૩૭ રન કરીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.



















