કોલંબો – શ્રીલંકા સામે વન-ડે મેચોની આગામી સિરીઝ પોતાની ટીમ હાલ કયા સ્તરે આવીને ઊભી છે એની સમીક્ષા કરવાની અને સુધારા માટે આવશ્યક ક્ષેત્રોને ઓળખી કાઢવાની તક પૂરી પાડશે એવું ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માને છે.
ભારતીય ટીમ શ્રીલંકામાં પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે અહીં આવી છે. ધોનીએ કહ્યું કે, અમારા માટે આ નવી ક્રિકેટ મોસમનો આરંભ છે. અમુક ક્ષેત્રો એવા છે જેમાં સુધારો કરવાની અમારે જરૂર છે. આ સિરીઝ અમને તે ક્ષેત્રોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે.
ધોનીએ એમ પણ કહ્યું કે હાલ મારી ટીમનો જુસ્સો ઘણો ઊંચો છે તેથી અમે આગામી સિરીઝમાં સારો દેખાવ કરી શકીશું એવી આશા છે.
બંને ટીમ વચ્ચે પહેલી વન-ડે મેચ ૨૧ જુલાઈએ હેમ્બાન્ટોટા શહેરમાં રમાશે.
શ્રીલંકામાં જ આગામી સપ્ટેંબર-ઓક્ટોબર દરમિયાન ટ્વેન્ટી-20 મેચો માટેની વર્લ્ડ કપ સ્પર્ધા યોજાવાની છે.



















