ભારતને સિરીઝ જીતવાનો ચાન્સ; ધોની ઈન્જર્ડ

મોહાલી – ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની સિરીઝની ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચ બુધવારે અહીં રમાશે. તે જીતીને સિરીઝને ૩-૧થી પોતાના કબજામાં કરી લેવાની ટીમ ઈન્ડિયાને તક છે, પણ તેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઈજા થઈ છે. આજે મંગળવારે અહીં ટીમના પ્રેક્ટિસ સત્ર દરમિયાન બેટિંગ કરતી વખતે તેને હાથના અંગૂઠા પર બોલ વાગ્યો છે.

તેને એક જ જગ્યાએ બીજી વાર બોલ વાગ્યો છે.

ફાસ્ટ બોલર મનપ્રીત ગોનીએ ફેંકેલો બોલ અંગૂઠામાં વાગતાં ધોનીને દુખાવા સાથે થોડોક સમય પૂરતું મેદાન છોડીને જતા રહેવું પડ્યું હતું.

ટીમના ફિઝિયોએ તરત જ ધોનીના અંગૂઠા પર સારવાર કરી હતી. બોલ વાગ્યા બાદ ધોની ઘૂંટણભેર બેસી ગયો હતો અને પીડાથી કણસતો હતો. ટીમના ફિઝિયો તરત જ મેદાનમાં દોડી આવ્યા હતા. બાદમાં કોચ પણ ધોનીને કેટલું વાગ્યું છે તે જોવા મેદાનમાં ગયા હતા.

ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે ધોનીને હવે સારું છે, એની ઈજા ગંભીર પ્રકારની નથી.

ધોનીને રાંચીમાં ત્રીજી વન-ડે મેચના આગલા દિવસે પ્રેક્ટિસ કરતી વખતે આવી જ રીતે અંગૂઠામાં બોલ વાગ્યો હતો.

તાજેતરના ભૂતકાળમાં લગાતાર ખરાબ દેખાવ કર્યા બાદ ધોનીના નેતૃત્વ હેઠળ ટીમે છેલ્લી સતત બે મેચ જીતી છે અને તે વિજયકૂચ જાળવી રાખીને મોહાલીમાં પણ જીત મેળવીને સિરીઝ પર કબજો કરી લેવા માગે છે.

મોહાલી મેચ પૂર્વે ઈંગ્લેન્ડની ટીમ પર ભારે દબાણ છે. ભારતના જુસ્સાથી ભરપૂર બોલરો સામે તેના બેટ્સમેનો સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા છે.

તેમ છતાં ભારતની ચિંતા બેટિંગમાં નબળા સ્ટાર્ટની છે. ગૌતમ ગંભીર ત્રીસની આસપાસ રન કરતો થયો છે, પણ તે મોટો સ્કોર કરી શકતો નથી. અન્ય ઓપનર અજિંક્ય રહાણે ઝીરો પર જ આઉટ થઈ જાય છે. આને લીધે ટીમ ઈન્ડિયા રહાણેને પડતો મૂકીને કદાચ ચેતેશ્વર પૂજારાને ચમકાવે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports