ઈસ્લામાબાદ – પાકિસ્તાનની ટીમ આવતા મહિને શ્રીલંકાના પ્રવાસે જશે જ્યાં તે ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચો તથા બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે.
પાકિસ્તાની ટીમ ૬-અઠવાડિયાના તેના પ્રવાસનો આરંભ ટ્વેન્ટી-20 મેચોથી કરશે. આ બે મેચ અનુક્રમે ૧ અને ૩ જૂને દક્ષિણ શ્રીલંકાના બંદરગાહ શહેર હેમ્બાનટોટામાં રમાશે.
ત્યારબાદ પહેલી બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ અનુક્રમે ૭ અને ૯ જૂને પલ્લીકેલીમાં રમાશે. બાકીની ત્રણ મેચ કોલંબોમાં ૧૩, ૧૬ અને ૧૮ જૂને પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે.
ત્રણ ટેસ્ટ મેચ ગોલ (૨૨ જૂનથી), કોલંબો (૩૦ જૂનથી) અને પલ્લીકેલી (૮ જુલાઈથી) રમાશે.
બંને ટીમ ગયા વર્ષે સંયુક્ત આરબ અમિરાતમાં ટકરાઈ હતી જ્યાં પાકિસ્તાને બંને ટેસ્ટ મેચ, વન-ડે મેચોની સિરીઝ તથા એકમાત્ર ટ્વેન્ટી-20 મેચ જીતી હતી.



















