લંડન – પાકિસ્તાનનો ઓફ્ફ સ્પિનર સઈદ અજમલ વન-ડે ઈન્ટરનેશનલ (ODI) બોલરો માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના રેન્કિંગ્સમાં પહેલા નંબર પર આવી ગયો છે.
આ ૩૪ વર્ષના બોલરે શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડે મેચમાં ૧૦૦-વિકેટનો આંક પાર કરી લીધો હતો અને તે સાથે આઈસીસી રેટિંગ્સમાં ૭૫૯ પોઈન્ટ્સ મેળવ્યા છે.
અજમલે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આઈસીસી રેન્કિંગ્સમાં બીજા નંબર પર છે તો ટેસ્ટ ક્રમાંકોમાં ત્રીજા નંબર પર છે. આમ, એ છે, ODI માં પહલા, T20 માં દુસરા અને ટેસ્ટ્સમાં તીસરા.
અજમલે એક વાર કહેલું કે હું ક્રિકેટની તમામ ફોર્મેટમાં નંબર-વન બોલર બનવા માગું છું. હું મારી ટીમની જીતમાં મદદરૂપ થવા મારો ૧૦૦ ટકા દેખાવ આપવા માગું છું.
૨૦૧૧ની ૪ ઓગસ્ટ અને ૨૦૧૨ની ૬ ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં અજમલ ૧૨૦ ઈન્ટરનેશનલ વિકેટ લઈ ચૂક્યો છે તો ટેસ્ટ મેચોમાં એણે ૭૨ વિકેટ મેળવી હતી. દુનિયાના તમામ બોલરો કરતા તેની વિકેટો વધારે છે.
તેમ છતાં એનું નામ આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર, આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અને આઈસીસી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટેની યાદીમાંથી એનું નામ ગાયબ છે.



















