નોઈડા – દેખીતી રીતે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મહેણું મારતા, વિરેન્દર સેહવાગે કહ્યું છે કે ૨૦૧૧માં ભારત મજબૂત ટીમ હોવાને કારણે વર્લ્ડ કપ જીતી શક્યું હતું અને કોઈ કેપ્ટન એની ટીમ જેટલો જ મહત્વનો ગણાય.
ધોનીમાં એવી તે કઈ તાકાત છે કે એ ભારતને બબ્બે વર્લ્ડ કપ અપાવી શક્યો? (૨૦૦૭માં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ અને ૨૦૧૧માં આઈસીસી 50-ઓવર વર્લ્ડ કપ) એમ પૂછતા ઓપનિંગ બેટ્સમેન સેહવાગે કહ્યું કે, ધોનીને ટીમ મજબૂત મળી હતી. જો તમને ટીમ મજબૂત મળે તો કેપ્ટન તરીકે પરફોર્મ કરવાનું આસાન બની જાય, જેમ ઓસ્ટ્રેલિયાએ એક તબક્કે કરી બતાવ્યું હતું. આપણે ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતી શક્યા એનું કારણ એ હતું કે આપણી પાસે ઘણી મજબૂત ટીમ હતી અને એને સાથ મળ્યો ધોનીના નેતૃત્વનો.
અહીં સબા કરીમ-જિનેસીસ પ્રો-ક્રિકેટ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે સેહવાગે કે શ્રીલંકામાં મર્યાદિત ઓવરોવાળી મેચોની સિરીઝ દરમિયાન ભારતીય ટીમને સચીન તેંડુલકરની ખોટ સાલશે, પરંતુ કઈ સિરીઝમાં રમવું અને ન રમવું તેનો નિર્ણય લેવાનો સચીનને અધિકાર છે.
‘માત્ર હું જ નહીં, આખા દેશને સચીનની ગેરહાજરીનો અનુભવ થશે. પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એ ૩૯ વર્ષનો થયો છે અને કઈ સિરીઝમાં રમવું કે ન રમવું એનો નિર્ણય તેને લેવા દેવો જોઈએ. એ ન્યૂ ઝીલેન્ડમાં ભારતીય ટીમની આગામી ટેસ્ટ સિરીઝ માટે ચોક્કસ ઉપલબ્ધ થશે.’
૨૧ જુલાઈથી શ્રીલંકામાં ભારતીય ટીમ વન-ડે મેચોની સિરીઝ રમશે. તે માટેની ટીમમાં સેહવાગે પુનરાગમન કર્યું છે. પોતાના ફોર્મ વિશે સેહવાગે કહ્યું કે, મને હવે ફિટનેસને લગતી કોઈ ચિંતા નથી. હું આઈપીએલ-2012માં લગભગ બધી મેચોમાં રમ્યો હતો એટલે ફિટનેસની કોઈ સમસ્યા નથી. શ્રીલંકાના પ્રવાસથી મને ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ માટે સજ્જ થવામાં મદદ મળશે, કારણ કે એ સ્પર્ધા પણ ત્યાં જ રમાવાની છે.



















