રાષ્ટ્રપતિનાં હસ્તે 'ચિત્રલેખા-વજુ કોટક'ની પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ

Chitralekha - Vaju Kotak Postal Stamp
ફોટો ગેલેરી માટે ક્લિક
વિડીયો ક્લિપ માટે ક્લિક
પ્રસંગનું કવરેજ માટે ક્લિક

નવી દિલ્હી, તા. ૨૦ એપ્રિલ - ગુજરાતી પત્રકારત્વ અને સમગ્ર ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી ઘટનામાં 'ચિત્રલેખા'ના સ્થાપક વજુ કોટકની સ્મૃતિમાં એક પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ આજે અહીં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલનાં હસ્તે કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે યોજાયેલા એક દમામદાર કાર્યક્રમમાં પ્રતિભા પાટીલે સ્વર્ગસ્થ વજુભાઈની સ્ટેમ્પ ઉપરાંત ફર્સ્ટ-ડે કવરનું અનાવરણ કર્યું હતું.

વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિથી દીપી ઊઠેલા આ કાર્યક્રમમાં અતિથિવિશેષપદે કેન્દ્રના સંદેશવ્યવહાર-ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તથા માનવ સંસાધન વિકાસ ખાતાના પ્રધાન કપિલ સિબલ હતા તો સંદેશવ્યવહાર ખાતાના રાજ્યપ્રધાન ગુરુદાસ કામત અને સચીન પાઈલટ વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા.

સમારંભના આરંભમાં માનવંતા મહેમાનોને આવકારતાં 'ચિત્રલેખા ગ્રુપ'ના ચેરમેન મૌલિક કોટકે કહ્યું હતું કે, 'હું નાનો હતો ત્યારે ટપાલટિકિટોનો સંગ્રહ કરતો હતો, પરંતુ એ વખતે મને સપનેય ખ્યાલ નહોતો કે 'ચિત્રલેખા'ના સંસ્થાપક મારા પિતા વજુભાઈની પણ ટપાલ ટિકિટ બહાર પડશે!

'ચિત્રલેખા'ની હીરકજયંતી ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા આ સ્ટેમ્પ રિલીઝ કાર્યક્રમને સંબોધતાં કપિલ સિબલે 'ચિત્રલેખા' પરિવારને ૬૦ વર્ષની યાત્રા સફળતાપૂર્વક પાર પાડવા બદલ અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ, રેલવે રાજ્ય પ્રધાન ભરત સિંહ સોલંકી, સંસદસભ્યો બલબીર પુંજ, પુરુષોત્તમ રૂપાલા, રાજેન્દ્ર સિંહ રાણા, સી.આર. પાટીલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, યુગાન્ડાનાં ભારતસ્થિત હાઈ-કમિશનર નિમીષા માધવાણી, ટીવીએન્કર પ્રતિભા અડવાણી, પોસ્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા દિલ્હીસ્થિત ગુજરાતી સમાજના જગદીપ રાણા અને વિરાટ શાહ સહિતના અગ્રણીઓ હાજર હતા.

આ અવસરે 'ચિત્રલેખા' પરિવારને વિશેષ વધામણી આપવા માટે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત, ગુજરાતી પત્રકારત્વની આ અનોખી ઘટનાના સાક્ષી રૂપે 'જન્મભૂમિ' જૂથનાં અખબારોના સીઈઓ-તંત્રી કુંદન વ્યાસ, 'મુંબઈ સમાચાર'નાં તંત્રી પિન્કી દલાલ, 'દિવ્ય ભાસ્કર'ના સ્ટેટ એડિટર અજય ઉમટ તથા 'મિડ-ડે' (ગુજરાતી)ના તંત્રી રાજેશ થાવાણી ઉપસ્થિત હતાં.

આ કાર્યક્રમને અંતે આભારદર્શન કર્યું હતું 'ચિત્રલેખા'ના મનન કોટકે તો કાર્યક્રમનાં સંચાલિકા હતાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય.