આફ્રિકાના જંગલમાં જોવા મળ્યો સ્પાઈડર-મેન જેવો કાચિંડો

રીયો ડી જેનેરો – બ્રાઝિલના એક ફોટોગ્રાફરે કેન્યાના મસાઈ મારા નેશનલ પાર્કમાં એક આફ્રિકન કાચિંડાની તસવીર ખેંચી છે જે અજબ રીતે સ્પાઈડર-મેન (હોલીવૂડ ફિલ્મ સિરીઝના પાત્ર) જેવો જ દેખાય છે. તે સ્પાઈડર-મેનથી સાવ વિપરીત ગભરુ છે અને જરાક અવાજ થાય તો ભાગી જાય છે.

આ કાચિંડાના શરીર પર લાલ અને બ્લુ રંગની એવી ચામડી છે જે બરાબર સ્પાઈડર-મેન ફિલ્મમાં ગુનેગારો સામે લડતી વખતે જે વિશિષ્ટ સૂટ પહેરે છે એના જેવી જ છે.

કસીઓ લોપેઝ નામનો ફોટોગ્રાફર તેની પત્ની સાથે તાજેતરમાં મસાઈ મારા નેશનલ પાર્કની મુલાકાતે ગયો હતો ત્યારે એને આ કાચિંડો જોવા મળ્યો હતો. એની નજીક જઈને લોપેઝે જેવી બૂમ પાડી કે તરત એ ઝાડી-ઝાંખરામાં સરકી ગયો.

લોપેઝ અને તેની પત્ની મૂળ તો દીપડીને જોવા જંગલમાં ગયા હતા, પણ ત્યાં ઓચિંતા એમની નજર નદી નજીકના એક પથ્થર પડી જેની ટોચ પર તે અદ્દભુત કાચિંડો બેઠો હતો. લોપેઝે કહ્યું કે હું અને મારી પત્ની અગાઉ પણ આફ્રિકાની મુલાકાતે આવી ચૂક્યા છીએ, પણ આ કાચિંડો અમે પહેલી જ વાર જોયો. અમે જીવનમાં અગાઉ ક્યારેય અને ક્યાંય પણ આવા રંગવાળો કાચિંડો જોયો નથી.

લોપેઝ અને તેની પત્ની કાચિંડાના શરીરનો રંગ અને પેટર્ન જોઈને ચકિત થઈ ગયા હતા, કારણ કે એ અસલ સ્પાઈડર-મેન જેવો જ છે.

આ કાચિંડો ૩૦ સેન્ટિમીટર લાંબો છે અને મુખ્યત્વે ટાન્ઝાનિયા, કેન્યા અને રવાન્ડામાં જોવા મળે છે.

કેવો યોગાનુયોગ કહેવાય કે, સ્પાઈડર-મેનની સિરીઝની ચોથી ફિલ્મ ‘ધ અમેઝિંગ સ્પાઈડર-મેન’ ગઈ ૪ જુલાઈથી વિશ્વભરમાં રિલીઝ થઈ છે એવા જ સમયે આ કાચિંડો પણ નજરે પડ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines